– રણબીર અને આલિયા મંદિરમાં દર્શન માટે પહોંચ્યા ત્યારે બજરંગ દળના કાર્યકરોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું
ઉજ્જૈન, તા. 07 સપ્ટેમ્બર 2022, બુધવાર : બજરંગ દળના કાર્યકર્તાઓએ મંગળવારે રાત્રે મધ્યપ્રદેશના ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દ્વારા ‘બીફ’ ખાવા અને ‘બ્રહ્માસ્ત્ર’ જોવા અંગે કરેલી કથિત ટિપ્પણીને લઈને તેમને રોક્યા હતા.મહાકાલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, પ્રદર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.તે જ સમયે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર,લાઠીચાર્જ કર્યા બાદ પણ પ્રદર્શનકારીઓએ દંપતીને મંદિર પરિસરમાં પ્રવેશ કરવા દીધો નહોતો.રણબીર અને આલિયા મંદિરમાં દર્શન માટે પહોંચ્યા ત્યારે બજરંગ દળના કાર્યકરોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું.બજરંગ દળના નેતા અંકિત ચૌબેએ જણાવ્યું હતું કે, અમે તેમને પવિત્ર મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-પ્રાર્થના કરવાની મંજૂરી આપીશું નહીં કારણ કે રણબીરે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, તે માંસાહારી ખોરાકમાં મટન,ચિકન અને બીફ ખાવાનું પસંદ કરે છે.તેમણે વધુમાં દાવો કરતાં કહ્યું હતું કે, આલિયાએ પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર અંગે કહ્યું હતું કે, જે લોકો તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર જોવા માંગે છે તેઓએ જોવી જોઈએ અને જે લોકો નથી જોવા માંગતા તેમને ન જોવી જોઈએ.
મંદિરના પૂજારી આશિષે જણાવ્યું હતું કે, ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જીએ વિરોધ વચ્ચે મહાકાલની મુલાકાત લીધી હતી.પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, તેઓએ બજરંગ દળના કાર્યકરો સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમો હેઠળ કાર્યવાહી કરી છે.

