। ગાંધીનગર ।
ગુજરાતમાં કોવિડ-૧૯નો વાઇરસ વિદેશથી આવેલા વ્યક્તિથી સ્થાનિક નાગરિકોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. બુધવારે સવારે અમદાવાદમાં દુબઇથી આવેલી મહિલા ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરામાં એક- એક એમ ૩ પુરુષો લોકલ ટ્રાન્સમિશનથી કોરોનાગ્રસ્ત થતા રાજ્યમાં કોવિડ-૧૯ પોઝિટિવના કેસમાં એક દિવસમાં ચારનો ઉમેરો થતાં વધીને ૩૯એ પહોંચ્યા છે.
ગઇકાલે મંગળવારે સાંજે આઠ વાગ્યે કુલ ૩૫ કોરોના પોઝિટિવની જાહેરાત બાદ બુધવારે સવારે આરોગ્ય સચિવ જયંતી રવિએ ૧૪ કલાકમાં વધુ ત્રણ પોઝિટિવ રિપોર્ટ મળ્યાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ સાંજે વધુ એક પોઝિટિવ કેસની જાહેરાત કરાઈ હતી. ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ અમદાવાદમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં ૧૪ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ૧૩૧ના ટેસ્ટ કરાયા છે તેમાંથી ૧૧૦ના રિપોર્ટ આવ્યા. ૨૧ના ટેસ્ટ પેન્ડિંગ છે.
રાજ્યમા ગઇકાલે વિદેશથી આવેલા, કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં રહેલા કુલ ૧૧,૧૦૮ નાગરિકોને કવોરન્ટાઇન હેઠળ રખાયા હતા. તે પછી આજે આવા દર્દીઓની સંખ્યામાં માત્ર ગાંધીનગર- અમદાવાદ જિલ્લામાં ૧૨૦૦થી વધુનો વધારો થયો છે. આવી જ રીતે સમગ્ર રાજ્યમાં એક જ દિવસમાં કવોરન્ટાઇન હેઠળના નાગરિકોની સંખ્યા ૯૫૮૦ વધીને ૨૦,૬૮૮એ પહોંચી છે. ૧૪ દિવસના હોમ કવોરન્ટાઇન હેઠળ રહેલા ૨૦,૬૮૮ પૈકી ૪૩૦ નાગરિકો સરકારી ફેસિલિટીમાં છે. જ્યારે ૨૦,૨૨૦ પોતાના ઘરે હોમ કવોરન્ટાઇન અને ૩૮ જણા પ્રાઇવેટ હોસ્પિટલમાં છે. કવોરન્ટાઇનનો ભંગ કરી બહાર ફ્રી રહેલા ૧૪૭ સામે ફેજદારી ગુનો નોંધાયા છે. ગુજરાતમાં હજુ પણ હોમ કવોરન્ટાઇન હેઠળના નાગરિકો બહાર ફરી રહ્યા હોવાથી હવે ચૂંટણી વખતે મતદાનમાં ઉપયોગમાં લેવાતી અવિલોપ્ય શાહીથી કવોરન્ટાઇનને ઓળખી શકાય તેના માટે ચિન્હિત કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
SVPમાં વધુ ૧ પોઝિટિવ ?
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૬૫ કોરોના સસ્પેકટેડ દર્દી દાખલ કરાયા હતા. આ પૈકી ૧૨૮ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે હજુ ૩૦ દર્દીઓના રીપોર્ટ પેન્ડિગ છે. આજે વધુ એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની પણ આશંકા છે. એસવીપી હોસ્પિટલ દ્વારા ગઈકાલે ૧૨૨ દર્દી દાખલ હોવાનું કહેવાયું હતું. જ્યારે આજે ૧૬૫ સસ્પેકટેડ દર્દીઓ દાખલ હોવાનું જાહેર કરાયુ હતું. આમ, વાસ્તવિક આંકડા છૂપાવવામાં આવી રહ્યા છે.
સિવિલમાં વધુ ૩ શંકાસ્પદ કેસ
શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના વધુ એક પોઝિટીવ કેસ સાથે પોઝિટીવ દર્દીઓની કુલ સંખ્યા ૧૪ થઈ છે. દુબઈથી મહિલા મુસાફર આવી હતી તેનો રિપોર્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો. તે સિવાય બુધવારે કોરોના વાઇરસના વધુ ૩ શંકાસ્પદ કેસો દાખલ થયા છે,
નવા ઉમેરાયેલા કેસ અને સંક્રમણનું કારણ
ઉંમર જાતિ જિલ્લો સંક્રમણની વિગત
૩૧ મહિલા અમદાવાદ દુબઇનો પ્રવાસ
૬૨ પુરુષ સુરત લોકલ ટ્રાન્સમિશન
૩૨ પુરુષ વડોદરા લોકલ ટ્રાન્સમિશન
૪૦ પુરુષ રાજકોટ લોકલ ટ્રાન્સમિશન
ગુજરાતમાં પોઝિટિવ કેસ વધીને ૩૯એ પહોંચ્યા
જિલ્લો કુલ કેસ
અમદાવાદ ૧૪
સુરત ૦૭
રાજકોટ ૦૪
વડોદરા ૦૭
ગાંધીનગર ૦૬
કચ્છ ૦૧
કુલ ૩૮
મૃત્યુ ૦૨