મુંબઈ, તા. 27 એપ્રિલ 2022, બુધવાર : મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જ્યાં ચોરોએ પહેલા બુલડોઝરની ચોરી કરી અને ત્યારબાદ એ જ બુલડોઝર વડે ચોરોએ ATM મશીન તોડી નાખ્યું હતું.જોકે આરોપીઓએ ATMમાં રાખેલી રોકડ રકમ છીનવી લેવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.આ ઘટના સાંગલી જિલ્લાના મિરાજ તાલુકાની છે.ચોરોએ શનિવારે રાત્રે લગભગ 12:15 કલાકે આગરા ચોક ખાતે આવેલા એક્સિસ બેંકનું ATM બુલડોઝરની મદદથી ઉઠાવી લીધું હતું.તપાસમાં સામે આવ્યું છે કે, ચોરોએ પહેલા પેટ્રોલ પંપમાંથી JCBની ચોરી કરી હતી અને ત્યારબાદ તેની મદદથી ATM તોડ્યું હતું.મળતી માહિતી મુજબ, આ ઘટના સમયે ATM મશીનમાં 27 લાખ રૂપિયા હતા.ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અધિક્ષક દિક્ષીત ગેદામે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને આરોપીઓને વહેલી તકે ઝડપી લેવાની સૂચના આપવામાં આવી છે.ચોરીની આ વિચિત્ર ઘટના જોઈ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.ATM ઉપાડ્યા બાદ આરોપીઓએ બુલડોઝર વડે તેના 3 ભાગમાં તોડી નાખ્યું હતું અને અવાજના કારણે ચોર ડરીને ભાગી ગયા હતા.આ કારણે ચોરો મશીનમાં રાખેલી રોકડ લઈ શક્યા ન હતા.પોલીસે ચોરોને પકડવા માટે 2 ટીમો બનાવી છે.


