થાઈલેન્ડના બેંગકોકમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. ૭૨ વર્ષના વૃદ્ધે પત્નીનો મૃતદેહ છેલ્લાં ૨૧ વર્ષથી સાચવી રાખ્યો હતો અને એણે આટલા વર્ષો પત્નીના મૃતદેહની સાથે વીતાવ્યા હતા.પત્નીને જીવંત માનીને વૃદ્ધ તેની સાથે વાત પણ કરતા હતા.આખરે એક સામાજિક સંસ્થાએ વૃદ્ધને સમજાવીને અંતિમવિધિ કરી હતી.બેંગકોકમાં રહેતા ચરન જનવાચકલની પત્નીનું મૃત્યુ ૨૦૦૧માં થયું હતું.એ પછી આ વૃદ્ધે પત્નીનો મૃતદેહ એક પેટીમાં પૂરી દીધો હતો અને ઘરમાં સાચવી રાખ્યો હતો.એ મૃત પત્નીને જીવંત માનીને વાતો કરતા હતા, આખા દિવસની દિનચર્યા સંભળાવતા હતા.એમ કરતાં કરતાં ૨૧ વર્ષો પસાર થઈ ગયા.થોડા સમય પહેલાં ૭૨ વર્ષના ચરન જનવાચકલને બાઈક ચાલકે ટક્કર મારી હતી.એમાં ઈજા થઈ હોવાથી એક સામાજિક સંસ્થા તેમની સંભાળ રાખતી હતી.સામાજિક સંસ્થાનો એક માણસ નિયમિત તેમને મળવા આવતો હતો અને તેમને ભોજન પણ અપાતું હતું.બીમાર પડયા પછી આ વૃદ્ધે સામાજિક સંસ્થાના અધિકારીઓને આખો કિસ્સો જણાવ્યો હતો અને પોતે મૃત્યુ પામે તો સાથે પત્નીની અંતિમવિધિ કરવાનું પણ જણાવ્યું.
ચોંકી ગયેલા સામાજિક સંસ્થાના અધિકારીઓએ વૃદ્ધને સમજાવ્યા અને ત્યારબાદ ૨૧ વર્ષ પહેલાં મૃત્યુ પામેલી પત્નીની અંતિમવિધિ કરી દેવામાં આવી. જોકે, આ વૃદ્ધ પર કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો ન હતો. ૨૦૦૧માં વૃદ્ધે પત્નીના મૃત્યુની નોંધણી સરકારી કચેરીમાં કરાવી હતી. વૃદ્ધે આવું કેમ કર્યું? એના જવાબમાં તેમણે કહ્યું હતું કે એ તેની પત્નીને બેહદ પ્રેમ કરતા હતા.પ્રેમ દર્શાવવા માટે મૃતદેહ સાચવી રાખ્યો હતો.આ વૃદ્ધ બેંગકોકના ખૂબ જ ગરીબ વિસ્તારમાં એક ઓરડાના ઘરમાં રહે છે.એ જ ઘરમાં આટલા વર્ષો મૃતદેહ સાચવી રાખ્યો હતો.તેના ઘરમાં વીજળી કે પાણીનું જોડાણ પણ નથી.પાણી તે પાડોશીઓના ઘરેથી લઈ આવે છે અને સ્વેચ્છિક સંસ્થાઓના ભોજનાલયમાં જમીને દિવસો વિતાવે છે.