અમદાવાદ : અમદાવાદના મોટેરા ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમીયર લીગની બીજી ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ સિઝનમાં અંતિમ વખત આમને-સામને થશે.સેમિફાઈનલ સમાન આ હાઈવોલ્ટેજ મુકાબલામાં વિજેતા થનારી ટીમ સીધી 29મેના રોજ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે.ફાઈનલમાં પહોંચવા માટે રાજસ્થાન રોયલ્સને તેની સાધારણ બોલિંગમાં સુધારો કરવો પડશે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે એલિમિનેટરમાં જોરદાર ફોર્મનું પ્રદર્શન કરતા લખનૌ સામે 14 રને જીત મેળવી હતી.રજત પાટીદારની તોફાની સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર દેખાવ કર્યો હતો રાજસ્થાન રોયલ્સની ટીમ પાસે ઓરેન્જ કેપ હોલ્ડર જોશ બટલર અને પર્પલ કેપ હોલ્ડર યુઝવેન્દ્ર ચહલ હોવા છતાં તે ગુજરાત ટાઈટન્સ સામે અપેક્ષા મુજબ દેખાવ કરી શક્યું નહતું અને પ્રથમ ક્વોલિફાયરમાં સાત વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.રાજસ્થાન પાસે બીજી ક્વોલિફાયર જીતીને ફાઈનલમાં ફરીથી ગુજરાત સામે રમવાની સુવર્ણ તક છે.