ઈન્કમટેક્સ વિભાગે,છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચાને ચકડોળે ચડેલા પોપ્યુલર ગ્રુપની બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ રૂ. ૧ હજાર કરોડની જમીન પર ટાંચ મૂકવાની કવાયત હાથ ધરી છે.પોપ્યુલર ગ્રુપની અમદાવાદમાં આશરે રૂ. ૬૦૦ કરોડ અને શહેરની આસપાસ અંદાજે રૂ. ૪૦૦ કરોડ સહિત કુલ ૬૩ સ્થળે અંદાજે રૂ. એક હજાર કરોડની બેનામી જમીન પર ટાંચ મૂકાશે.
પોપ્યુલર ગ્રુપના રમણ પટેલ,દશરથ પટેલ,અને કુટુંબના સભ્યો,નજીકના સગાં અને તેની કંપનીના કર્મચારીઓના નામે અમદાવાદમાં અને અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પ્રાઈમ લોકેશન પર કરોડોની જમીન ખરીદી હોવાનું ITની તપાસમાં બહાર આવ્યું છે.
આવકવેરા વિભાગે,બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ પોપ્યુલર ગ્રુપની ૨૨.૭૨ લાખ ચોરસ મીટર જમીન પર પ્રોવિઝનલ ટાંચના આદેશ જારી કર્યા છે. IT વિભાગે, પોપ્યુલર ગ્રુપની ૨૨.૭૨ લાખ ચો. મી. જમીન ટાંચમાં લેવા માટેના પ્રોવિઝનલ ઓર્ડર કર્યા છે.જે પૈકી ૫,૧૦,૭૨૮ ચો.મી. જમીન વ્યક્તિગત માલિકીની જમીનનો સમાવેશ થાય છે.પોપ્યુલર ગ્રુપ દ્વારા થલતેજ,બોડકદેવ,રાણીપ,કલોલ,સાણંદ,ઈયાવા,વાસણા,ગરોડીયા,વગેરે સ્થળે મોટાપાયે જમીન ખરીદી છે.
પોપ્યુલર ગ્રુપના ૨૩ બેંક લોકર ઓપરેટ કરાયા છે અને રૂ. ૯૧.૧૧ લાખની રોકડ રકમ અને રૂ.૨૨.૮૦ લાખની જ્વેલરી મળી આવી છે અને કરોડોની રકમના સંખ્યાબંધ દસ્તાવેજો મળી આવ્યા છે. ઈન્કમટેક્સ વિભાગે,પોપ્યુલર ગ્રુપના રમણ પટેલ અને તેના સગાં- સબંધીઓની ૨૭ ઓફિસ અને રેસીડેન્શિયલ પ્રિમાઈસીસ પર સાગમટે દરોડા પાડયા હતા.લગભગ દોઢ મહિનાની તપાસમાં પોપ્યુલર ગ્રુપના કરોડોના બેનામી વ્યવહારો જોવા મળ્યા છે.
ભરત નાથાલાલ પટેલને ઘરમાંથી ઢગલો ડોક્યુમેન્ટ મળ્યા
IT વિભાગને દરોડા દરમિયાન પોપ્યુલર ગ્રુપના રમણ પટેલના સગા અને વિશ્વાસુ અને સેક્રેટરી એવા ભરત નાથાલાલ પટેલના સોમેશ્વર સોસાયટીમાં આવેલા બંગલામાં ‘સેઈફ કસ્ટડી’માં રખાયેલા સંખ્યાબંધ ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.
પોપ્યુલર ગ્રૂપને શો કોઝ, ટાંચ ઓર્ડર સહિત કુલ ૫૧૭ નોટિસ ફટકારાઈ
ઈન્કમટેક્સ વિભાગે, બેનામી પ્રોપ્રટી એક્ટ અંતર્ગત પોપ્યુલર ગ્રુપને ૨૪૩ શો કોઝ નોટિસ, ૨૯૩ જમીન ટાંચના ઓર્ડર સહિત ૫૧૭ નોટિસ ફટકારવામાં આવી છે. આ પ્રકારે બેનામી પ્રોપ્રટી એક્ટ હેઠળ ગુજરાતમાં કદાચ સૌથી વધુ શો કોઝ અને ટાંચના ઓર્ડર પોપ્યુલર ગ્રુપ ફટકારાયા હોવાનું જાણવા મળે છે.
કરોડોની જમીન છતાં એકપણ IT રિટર્ન ફાઈલ નથી થયા
પોપ્યુલર ગ્રુપ પરના ITના દરોડા અને તપાસમાં ડમી લોકો ઉભા કરીને બેંક ખાતા ખોલીને કરોડોના જમીનના વ્યવહારો કરનાર લોકો ઈન્કમટેક્સ રિટર્ન પણ ફાઈલ કરતા નથી. નીલ ઈન્કમટેક્સ ધરાવનારે પણ IT રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત હોવાના નિયમની ઐસી તૈસી કરીને રિટર્ન સુદ્ધાં ફાઈલ કરતા ન હોવાનું જોવા મળ્યું છે.
બેનામી વ્યવહાર માટે વ્યક્તિને એક ટકો કમિશન, પગાર ચૂકવાતા
પોપ્યુલર ગ્રુપ દ્વારા ડમી વ્યક્તિ ઉભા કરીને તે વ્યક્તિના નામે પોતાના નાણાંનું રોકાણ કરીને જમીન ખરીદતા હતા અને પછી તે જમીનના વ્યવહારો કરવા બદલ તે વ્યક્તિને ૧ ટકો કમિશન અથવા પગાર પણ ચૂકવવામાં આવતો હતો.
સારંગ કો. ઓપરેટિવ સોસાયટી સહિત ૧૬ રચી ૬ મંડળીમાં વિભાજન કરાયું
પોપ્યુલર ગ્રુપ દ્વારા સારંગ કો- ઓપરેટિવ સહકારી સોસાયટી સહિત ૧૬ કો- ઓપરેટિવ સોસાયટી રચીને ત્યારપછી તેનું ૬ મંડળીમાં વિભાજન કરીને સરસ્વતી, સ્મૃતિ,વગેરે સહિત જુદા જુદા નામે મંડળી રચીને ૧૦ લોકોના નામે જમીન ખરીદી અને વેચાણના વ્યવહારો કરાયા હતા.આ તમામ મંડળીઓને શો કોઝ અને જમીન ટાંચમાં લેવા અંગેની નોટિસ ફટાકરવામાં આવી છે. I.T.ની તપાસમાં આ લોકોના અધૂરા એડ્રેસ જોવા મળ્યા છે.
રમણ પટેલની મોડસ ઓપરેન્ડી
કરોડોના બેનામી જમીન વ્યવહારોમાં પોપ્યુલર ગ્રુપના રમણ પટેલની અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે.જમીન ટોચ મર્યાદા ધારા સહિત વિવિધ કાયદાની છટકબારીનો ગેરલાભ ઉઠાવીને રમણ પટેલે ૧૯૯૦ના વર્ષથી પોતાના પૈસે પોતાના કર્મચારીઓ તથા મળતિયા લોકોના નામે જમીન અને મકાન ખરદીને તેમજ જમીન સંપાદન કરીને તે મિલકત અને તેના ડોક્યુમેન્ટ પોતાના કબજામાં રાખતા અને પછી તે જમીન- મકાન અન્ય લોકોના નામે ટ્રાન્સફર કરતા અને વારંવાર માલિકો બદલીને ડોક્યુમેન્ટ પોતાના કબજામાં હોવાથી જે વ્યક્તિના નામે જમીન ખરીદી હોય તે ભવિષ્યમાં કોઈ દાવો ન કરી શકે.
બેનામી પ્રોપર્ટી માટે ૫૬ કંપની, ૮ પેઢી, ૬ ટ્રસ્ટ, ૬ HUF
પોપ્યુલર ગ્રુપ દ્વારા કરોડોના બેનામી વ્યવહારો કરવા માટે ૫૬ કંપનીઓ, ૮ પેઢીઓ, ૬ ટ્રસ્ટ અને ૬ HUF ઉભા કરાયા હતા.આ પ્રકારે ઉભી કરાયેલી કંપની, ટ્રસ્ટ તેમજ વ્યક્તિગત નામે બેંક એકાઉન્ટ ખોલાયા હતા અને પુરાવા ઉભા કરીને કરોડોની જમીનની ખરીદી અને વેચાણના વ્યવહારો કરાયા હતા. I.T. વિભાગે ૧૯૯૪ના વર્ષથી અત્યાર સુધીના બેંક એકાઉન્ટની તપાસ કરી છે.
બે ભત્રીજા સામે રિવોલ્વરની અણીએ ઠગાઈની ફરિયાદ
પોપ્યુલર ગ્રૂપના જમીન કૌભાંડી બિલ્ડર રમણ અને દશરથ પટેલ બાદ તેમના બે ભત્રીજા પ્રથમેશ અને વિક્રમનં પણ વધુ એક જમીન કૌભાંડ બહાર આવ્યં છે. આ કૌભાંડીઓએ ગોધાવીમાં જમીન વેચવાનં કહીને એક જમીન-દલાલ ભરતભાઇ છેલાભાઇ અલગોતર પાસેથી ૯૫ લાખ રૂપિયા લઇ લીધા હતા.
ત્યારબાદ ૧૬ સપ્ટેમ્બરે જમીન દલાલને શ્યામલ ચાર રસ્તા બોલાવીને કારમાં બેસાડી અપહરણ કરી લીધી હતં.એટલં જ નહી પેટના ભાગે રિવોલ્વર બતાવી કંઇ પણ બોલશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ૪ કલાક સીંધુ ભવનની ઓફિસમાં ગોંધી રાખીને ગળં દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.આ અંગે જમીન દલાલે અગાઉ આનંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેમાં હવે પોલીસે ફરિયાદ નોંધી છે.
૨૨.૭૨લાખ ચો.મી. ટાચમાં
૫.૧૧ લાખ ચો.મી. જમીનની માલિકી
૫૧૭ નોટિસ ફટકારાઈ.
૯૧.૧૧ લાખ રોકડ
૨૨.૮૦ લાખ જ્વેલરી જપ્ત.
૧૦૦ જેટલા બેંક ખાતાની તપાસ
૨૩ બેંક લોકર ઓપરેટ કરાયા
૫૬ કંપની, ૮ પેઢી, ૬ ટ્રસ્ટ,
૧૬ કો. ઓપ. સોસાયટી
૬ HUF ના નામે બેનામી જમીન