– આ કાયદો ૨૦૧૬માં અમલમાં મૂકવામાં આવ્યો હતો
– સુપ્રીમે ઓગસ્ટમાં આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે આવકવેરા વિભાગ આ કાયદાને પાછલી તારીખથી લાગુ કરી શકે નહીં
નવી દિલ્હી, તા. 19 : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ સુપ્રીમ કોર્ટ દ્વારા ઓગસ્ટમાં આપવામાં આવેલા એ ચુકાદાની વિરુદ્ધ સમીક્ષા અરજી દાખલ કરી છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે આવકવેરા વિભાગ બેનામી લેવડદેવડ નિરોધક કાયદાને પાછલી તારીખ લાગુ કરી શકે નહીં.
સીબીડીટીએ સમીક્ષા અરજીમાં જણાવ્યું હતું કે આારોપી વ્યકિતની ગેરકાયદેસર સંપત્તિ રાખવી એક સતત અપરાધિક કૃત્ય ગણવું જોઇએ.સીબીડીટી કેન્દ્રીય નાણા મંત્રાલયના મહેસૂલી વિભાગ હેઠળ ટેક્સ વિભાગ માટે નીતિ તૈયાર કરે છે.સૂત્રોએ જણાવ્યું હતું કે સીબીડીટીએ આવકવેરા વિભાગના ક્ષેત્રીય એકમોની સલાહ લીધા પછી આ સમીક્ષા અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.બેનામી લેવડદેવડ નિરોધક કાયદો ૨૦૧૬માં અમલમાં મૂકવામાં આવ્યો હતો.સૂત્રોએ આશા વ્યક્ત કરી હતી કે અરજી ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી માટે સૂચીબદ્ધ કરવામાં આવશે.કોર્ટે ઓગસ્ટમાં આપેલા પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે બેનામી લેવડદેવડ (નિરોધક) સંશોધન અધિનિયમને વર્ષ ૨૦૧૬થી પહેલાના કેસોમાં લાગુ કરી ન શકાય.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ દાખલ સમીક્ષા અરજીમાં સીબીડીટીનો તર્ક એ દલીલ પર આધારિત છે કે બેનામી તંત્રના માધ્યમથી સંપત્તિનું નિર્માણ અથવા ટ્રાન્સફર એક સતત અપરાધિક કૃત્ય છે અને અપરાધી આ રીતે ગેરકાયદે અર્જિત ફળનું આનંદ લેવાનું જારી રાખે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર અરજીમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકોને ૨૦૧૬થી અગાઉ બેનામી સંપત્તિ બનાવી હતી તે તેનો લાભ હાલમાં પણ લઇ રહ્યાં છે તેથી તેને મુક્ત ન કરવા જોઇએ.