– શુક્રવારે રાત્રે જ રૂપાણીને રાજીનામું આપવા કહી દેવાયું હતું
– અમિત શાહે મોડી રાત્રે એક દિગ્ગજ નેતા સાથે બેઠક કરી હોવાની ચર્ચા જાગી
અમદાવાદ : બે દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદની ઓચિંતી મુલાકાતે આવ્યા હતા.મોડીરાત્રે અચાનક આવી પહોંચેલા અમીત શાહની અમદાવાદની મુલાકાતને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે.એવી ચર્ચા છે કે, તે રાત્રે જ ગુજરાતના નેતૃત્વ પરિવર્તન આ અંગે નિર્ણય લેવાયો હતો.એટલું જ નહિ,અમિત શાહે ગુજરાતના એક ભાજપના દિગ્ગજ નેતા સાથે પણ આ જ મામલે બેઠક કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બપોર બાદ અચાનક જ રાજ્યપાલ દેવવૃત જી ને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી સૌને ચોંકાવી દીધા હતા.સૂત્રોના મતે, વિજય રૂપાણીને ભાજપ હાઈ કમાન્ડે શુક્રવારની મોડી રાત્રે બપોર બાદ રાજીનામા આપી દેવા સુચના આપી દીધી હતી.
એવી પણ માહિતી મળી છે કે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને વિજય રૂપાણી વચ્ચે બેઠક યોજાઈ હતી ત્યાર પછી મુખ્ય મંત્રીએ રાજીનામું આપ્યું હતું અને આ બેઠકમાં મુખ્યમંત્રીએ થોડોક સમય પણ માંગ્યો હતો.પણ હાઇકમાન્ડે તેમને તાકીદે રાજીનામું આપવા કહી દીધું હતું.
બે દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને તેમની આ ગુપ્ત મુલાકાત દરમિયાન જ આખીયે કામગીરી પૂરી કરાઇ હતી.અને મુખ્યમંત્રી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાતોરાત આખું કામ પાર પાડી વહેલી સવારે ત્રણ વાગ્યે અમીત શાહ દિલ્હી રવાના થયા હતા.
અમદાવાદની આ ગુપ્ત મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં ઘમાસણ જામ્યું હતું.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વખતથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના રાજકારણ પર બારીકાઈથી નજર રાખી છે.આગામી વિધાનસભાની ચૂંટણીને જોતા અમીત શાહના ગુજરાતના આટા ફેરા પણ વધ્યા છે.ગુજરાતના નવા મુખ્યમંત્રીની પસંદગીમાં પણ અમિત શાહની અહમ ભૂમિકા હશે.
અમિત શાહ અમદાવાદમાં
ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિના સતત સંપર્કમાં રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા.દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યપ્રધાનપદની રેસમાં જેમનું નામ લેવાઈ રહ્યું છે તેવા દીવ- દમણના એડમિની સ્ટ્રેટર અને ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલને રવિવારે ધારાસભ્યોની જે બેઠક મળવાની છે તેમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.


