અમદાવાદ : બોગસ બિલીંગના કૌભાંડમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામા આવી છે. 24 કરોડની ખોટી વેરાશાખ મેળવી કરચોરી કરવા બદલ ગોધરાના ઉદ્યોગપતિ ઈરફાન કોઠી અને 6.31 કરોડની કરચોરી કરવા બદલ ભાવનગરના અસલમ કલીવાલાની ધરપકડ કરવામા આવી છે.
સ્ટેટ જીએસટી વિભાગની ટીમ દ્વારા થોડા દિવસ પહેલા જ ભાવનગરમાં બોગસ બિલિંગનું મોટું કૌભાંડ પકડયુ હતુ.જે સંદર્ભે સંખ્યાબંધ સ્થળે તપાસ કર્યા બાદ 10 આરોપીઓની ધરપકડ કરવામા આવી હતી ત્યારબાદ જીએસટી વિભાગની ટીમે ભાવનગર ,સુરત,ગોધરા,અમદાવાદ અને મહેસાણા સહિતના સંખ્યાબંધ સ્થળે દરોડા પાડયા હતા.
જેમાં ગોધરાના કોઠી સ્ટીલના માલિક ઈરફાન મોહંમદફીરદૌશ કોઠી દ્વારા 24 કરોડ જેટલી ખોટી વેરાશાખ મેળવી કરચોરી કરવામા આવી હોવાનું બહાર આવ્યુ છે.કોઠી સ્ટીલની ભગિનિ કંપની એચ.કે.ઈસ્પાત પ્રા.લિ દ્વારા પણ 1.33 કરોડની ખોટી વેરાશાખ મેળવાઈ હોવાનું ધ્યાને આવ્યુ છે.
આ ઉપરાંત ભાવનગર સ્થિત બ્લુ સ્ટાર ટ્રેડિંગ કંપનીના માલિક અસલમ કલીવાલાના રહેઠાણ અને ધંધાકીય સ્થળોએ દરોડા પાડવામા આવ્યા હતા.જેમાં કુલ 41.38 કરોડના ફક્ત બિલો ઈશ્યુ કરી 6.31 કરોડની કરચોરી કરવામા આવી હોવાનું બહાર આવ્યુ છે.જેને પગલે હોસ્પિટલમાંથી રજા મળતા જ અસલમ કલીવાલાની ધરપકડ કરવામા આવી છે અને કોર્ટ સમક્ષ રજૂ કરવામા આવ્યો છે.