અમદાવાદ, રવિવાર, 15 મે,2022 : શહેરના બોપલ વિસ્તારમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ નીચે આવેલી ઈન્ટીરીયર ડેકોરેશનની સાત દુકાનમાં ઈલેકટ્રીક પેનલમાં ઓવરહીટીંગ થવાથી આગ લાગતા ફાયર વિભાગે ઈલેકટ્રીક સપ્લાય કટ કરી બાકીની દુકાનમાં આગ ફેલાતી અટકાવી હતી.આગ હોલવવા કુલ સત્તર વાહનની મદદ લેવાઈ હતી.સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી.
રવિવારે બપોરે સાડા ચારના સુમારે અમદાવાદ ફાયર વિભાગને બોપલ બ્રિજ નીચે આવેલ માસ્ટર હાર્ડવેર ઈન્ટીરીયર શો રુમમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો.જે દુકાનમાં આગ લાગી હતી એ દુકાનમાં રાખવામાં આવેલા ઈન્ટરીયરને લગતા મટીરીયલને લઈ આસપાસની દુકાનમાં આગ ફેલાઈ ગઈ હતી.ફાયર વિભાગ દ્વારા ત્રણ મિની ફાયર ફાઈટર ઉપરાંત આઠ વોટર બાઉઝર સહિતના વાહનથી આગ હોલવવામાં આવી હતી.આગની ગંભીરતા જોતા પોલીસ અને એફ.એસ.એલ.ની મદદ પણ ફાયર વિભાગ દ્વારા લેવામાં આવી હતી.