મુંબઈ : બોલિવુડના ફિલ્મ સર્જક કરણ જોહરની ગયા મહિનેે યોજાયેલી બર્થ ડે પાર્ટીમાં હાજરી આપનારા કેટરિના કૈફ અને શાહરુખ ખાન સહિતના સ્ટાર્સ કોરોનાની ઝપટે આવી ગયા છે.એક દાવા અનુસાર આ પાર્ટીમાં હાજરી આપનારા ૫૦થી વધુ સ્ટાર્સ સંક્રમિત થતાં આ પાર્ટી હોટસ્પોટ પુરવાર થઈ છે.જોકે,કરણની નજીકના સૂત્રોએ આ વાતને નકારી કાઢી છે.કરણ જોહરે ગઈ તા.પચ્ચીસમી મેએ પોતાના ૫૦મા જન્મદિવસ નિમિત્તે શાનદાર પાર્ટી યોજી હતી.આ પાર્ટી યશરાજ સ્ટુડિયોમાં યોજાઈ હતી.ત્યાં એક કરોડના ખર્ચે ભવ્ય સેટ બનાવવામાં આવ્યો હતો.પાર્ટીમાં આમિર,શાહરુખ,સલમાન,કેટરિના,અભિષેક અને ઐશ્વર્યા બચ્ચન,સૈફ અલી ખાન અને કરીના કપૂર,જાહ્નવી કપૂર,અનન્યા પાંડે સહિતના બોલિવુડના કેટલાય જાણીતા સ્ટાર્સ ઉપસ્થિત રહ્યા હતા.
જોકે,હવે એક પછી એક સ્ટાર કોરોના પોઝિટવ હોવાની વાત બહાર આવી રહી છે.પોઝિટિવ જાહેર થતા મોટાભાગના સ્ટાર પોઝિટિવ વચ્ચે સમાનતા એ છે કે તેઓ કરણની પાર્ટીમાં હાજર હતા.તે પરથી કરણની પાર્ટી હોટસ્પોટ બની હોવાની વાતો બોલિવુડમાં ચર્ચાઈ રહી છે.પરંતુ,કરણના નિકટવર્તી સૂત્રોએ આ અફવાને નકારી કાઢી હતી.તેમણે કહ્યું હતું કે આ સ્ટાર્સને કરણની પાર્ટીમાંથી જ ચેપ લાગ્યો તેવું કહી શકાય નહીં.કરણ હાલ તેના શો કોફી વીથ કરણનું શૂટિંગ કરી રહ્યો છે અને તેમાં પૂર્વ ટેસ્ટિંગ સહિતના તમામ પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવે છે.કરણની પાર્ટીમાં હાજર રહેનારા ઘણા સ્ટાર અબુધાબી આઈફા એવોર્ડમાં પહોંચ્યા છે તેઓ પણ ટેસ્ટિંગ વગેરે તકેદારી લીધા બાદ જ વિદેશ ગયા છે.
વાસ્તવમાં આઈફા એવોર્ડમાં કેટલાક સ્ટારની ગેરહાજરી જ તેઓ કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર બ્રેક થવાનું નિમિત્ત બની હતી.આઇફા એવોર્ડમાં મોટાભાગે બોલિવુડના તમામ એ લિસ્ટર હાજર રહેતા હોય છે. પરંતુ કેટનિના કૈફ તેમાં ગેરહાજર રહેતાં તેની ભારે ચર્ચા થઈ હતી અને તેના પરથી તે કોરોના પોઝિટિવ હોવાની વાત બહાર આવી હતી.જોકે,હવે કેટરિનાએ પોતાનો ક્વોરન્ટાઈન પિરિયડ પુરો કરી લીધો હોવાનું કહેવાય છે.કેટરિના અગાઉ જ્યારે પોઝિટિવ હતી ત્યારે તેણે સોશિયલ મીડિયા પર જાતે જાણ કરી હતી પરંતુ આ વખતે તેણે મૌન સેવ્યું છે.