ભોપાલ, તા. 9. નવેમ્બર : મધ્યપ્રદેશના ભાજપના પ્રભારી મુરલીધર રાવે ફરી વખત વિવાદીત નિવેદન આપીને ચર્ચા છેડી છે.તાજેતરમાં તેમણે પોતાની જ પાર્ટીના કેટલાક નેતાઓને નાલાયક ગણાવ્યા હતા અને હવે તેમણે એવુ નિવેદન આપ્યુ છે કે, બ્રાહ્મણ અને વણિક સમુદાયના લોકો અમારા ખિસ્સામાં છે.
મીડિયા સાથેની વાતચીતમાં તેમને પૂછવામાં આવ્યુ હતુ કે, સામાન્ય રીતે ભાજપ માટે એવી ધારણા રહેતી હોય છે કે, તે બ્રાહ્મણો અને વણિકોની પાર્ટી છે અને પછાત વર્ગ પર તે હવે ધ્યાન આપવાની વાત કરી રહી છે..જેના જવાબમાં મુરલીધર રાવે કહ્યુ હતુ કે, બ્રાહ્મણ અને વણિકો મારા ખિસ્સામાં છે.
જોકે રાવે આગળ કહ્યુ હતુ કે, ભાજપ સમાજમાં તમામ વર્ગોનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે કામ કરી રહી છે.જ્યારે કેટલાક વર્ગના લોકોની સંખ્યા પાર્ટીમાં વધારે હતી ત્યારે લોકો કહેતા હતા કે, પાર્ટી અમુક વર્ગની જ છે.અમે એસસી અને એસટી વર્ગના લોકોને પાર્ટી સાથે જોડવા માટે કામ કરી રહ્યા છે.જેમને સાચા અર્થમાં પહેલા તરછોડી દેવાયા હતા તેમને પાર્ટીમાં સામેલ કરવા માટે કામ કરી રહ્યા છે.જોકે મુરલીધર રાવના નિવેદન બાદ કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા કહ્યુ છે કે, આ તો સમાજના તમામ વર્ગોનુ અપમાન છે.સૌના સાથ અને સૌના વિકાસનો નારો આપનાર પાર્ટીના નેતા આ પ્રકારના નિવેદન આપે છે.

