બ્રિટનમાં ફેલાતા કોરોના વાઇરસના નવા સ્ટ્રેઇનનો ભય વધી રહ્યો છે.કેનેડા,ફ્રાંસ,જર્મની,ઇટલી,નેધરલૅન્ડ,બેલ્જિયમ,ઑસ્ટ્રિયા,આયર્લેન્ડ, ચિલી અને બલ્ગેરિયા પછી હવે સાઉદી અરેબિયાએ કડક પગલું ભર્યું છે.સાઉદી અરેબિયાએ જાહેરાત કરી છે કે નવા પ્રકારના કોરોનાના સ્ટ્રેઇન સામે આવતાં અને તેના ઝડપથી વધી રહેલા કેસના પગલે તેણે પોતાની તમામ આંતરરાષ્ટ્રીય પેસેન્જર અૅરલાઇન્સ સર્વિસિસને અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી છે.
સાઉદી અરબના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે ‘વાઇરસની પ્રકૃતિ વિશેની તબીબી માહિતી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી આ એક અઠવાડિયા સુધી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકયો છે જેને આગળ વધુ લંબાવી શકાય છે.’ તેમણે કહ્યું કે દેશના જમીન અને દરિયાઈ બંદરો પણ બંધ રહેશે.છેલ્લા ત્રણ મહિનામાં યુરોપિયન દેશોમાંથી પરત ફર્યા હોય તેવા બધાને સરકારે તાત્કાલિક કોવિડ-19 તપાસ માટે ફરવાનો આદેશ આપ્યો છે.મંત્રાલયે કહ્યું કે સસ્પેન્સનથી દેશની કાર્ગો ફ્લાઇટસ અને સપ્લાય ચેઇનને કોઈ અસર થશે નહીં.
દરમ્યાન કેનેડાએ દક્ષિણ ઇંગ્લેન્ડમાં કોરોના વાઇરસના નવા સ્ટ્રેઇનના પગલે બ્રિટનથી મુસાફરોની ફ્લાઇટ્સનું સંચાલન બંધ કરી દીધું છે.આ ઘટનાક્રમ અંગે જાગૃત એક અધિકારીએ નામ ન આપવાની શરતે તેની પુષ્ટિ કરી.ફ્રાંસ,જર્મની,ઇટલી,નેધરલૅન્ડ,બેલ્જિયમ,ઑસ્ટ્રિયા,આયર્લેન્ડ અને બલ્ગેરિયાએ પહેલેથી જ બ્રિટનની યાત્રા પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે.બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને કોરોના વાઇરસના નવા સ્વરૂપના ઝડપથી ફેલાવાને પગલે દક્ષિણ ઇંગ્લેન્ડનાં બજારો બંધ કરવાની અને નાતાલ પૂર્વે સમૂહમાં ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
૭૦ ટકા વધુ ઝડપથી ઇન્ફેક્શન
બ્રિટનના વડા પ્રધાન જૉન્સને તાત્કાલિક અસરથી કેટેગરી-૪ના કડક પ્રતિબંધો લાગુ કર્યા,એમ કહેતા કે કોરોના વાઇરસનો નવો સ્ટ્રેઇન દેખાયો, જે અગાઉના વાઇરસ કરતાં ૭૦ ટકા વધુ ઝડપથી ફેલાય છે અને લંડન તેમ જ દક્ષિણ ઇંગ્લેન્ડમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે.જોકે બ્રિટિશના વડા પ્રધાને કહ્યું હતું કે નવા પ્રકારનો વાઇરસ વધુ જીવલેણ છે અને રસી ઓછી અસરકારક રહેશે તે સાબિત કરવા માટે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.

