– ઓક્સફોર્ડ યુનિ. દ્વારા શોધાયેલી રસીનું 510 લોકો પર પરિક્ષણ થશે
– લંડન, સાઉધમ્પ્ટનમાં વોલન્ટીયર્સને રૂ. 17,000-59,000 સુધીના વળતરની ઓફર
બ્રિસ્ટલ,
બ્રિટનમાં કોરોના વાયરસની રસીના પરિક્ષણ માટે સ્વયંસેવકોને આગળ આવવા હાકલ કરવામાં આવી રહી છે.કોવિડ 19ની રસીના હ્યુમન ટ્રાયલ્સ (માનવ પરિક્ષણ) માટે લોકોને સ્વૈચ્છાએ આગળ આવી મદદરૂપ થવા માટે અપીલ કરવામાં આવી રહી છે.મહામારી વચ્ચે આ સૌપ્રથમ વખત કોરોનાની રસીની શોધના દાવા બાદ માનવ પરિક્ષણ હાથ ધરાઈ રહ્યા છે.
ઈમ્પીરિયલ કોલેજ લંડન તેમજ યુનિવર્સિટી હોસ્પિટલ સાઉધમ્પ્ટન દ્વારા સ્વયંસેવકોને કોરોના વાયરસની રસીના પરિક્ષણ માટે સહયોગ આપવા અપીલ કરાઈ છે.યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીનું આ સપ્તાહથી માનવ પરિક્ષણ શરુ થશે.
ઈમ્પીરિયલ કોલેજ લંડને સ્વયંસેવકોને આગળ આવવા માટે જાહેરાત કરતા જણાવ્યું કે,કોઈપણ વ્યક્તિ 18થી 55 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી હોય અને સ્વસ્થ હોય તે પરિક્ષણમાં ભાગ લઈ શકે છે.આ માટે સ્વયંસેવકો ઈમ્પીરિયલ કોલેજ લંડન,યુનિ.હોસ્પિટલ સાઉધમ્પ્ટન અને બ્રિસ્ટલ ચિલ્ડ્રન્સ વેક્સિન સેન્ટરનો સંપર્ક કરી શકે છે.
સ્વયંસેવકોને પરિક્ષણ બદલ રૂ. 17,500-59,000 (190-625 પાઉન્ડ)નું વળતર પણ આપવાની ઓફર કરવામાં આવી છે.બ્રિટનના આરોગ્ય મંત્રી મેટ હેનકોકે જણાવ્યું હતું કે,તેઓ કોરોના વાયરસની સૌપ્રથમ રસી બ્રિટનમાં શોધાય તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.સરકાર ઓક્સફોર્ડના વિજ્ઞાનીઓને વધારાના 2 કરોડ પાઉન્ડ આપશે જેથી તેઓ ટ્રાયલ્સ પણ હાથ ધરી શકે.આ ઉપરાંત 2.25 કરોડ પાઉન્ડ ઈમ્પીરિયલ કોલેજ લંડનને આ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવશે.
અગાઉ ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે તેઓ કોરોના વાયરસની રસી શોધવામાં સફળ રહ્યા છે અને સપ્ટેમ્બર સુધીમાં રસીનો જથ્થો બજારમાં આવશે. આટલા મોટાપાયે રસીનું ઉત્પાદન કરવામાં આવશે જેથી થોડો સમય લાગી શકે તેમ છે.
ઓક્સફોર્ડ દ્રારા તૈયાર કરાયેલી કોવિડ 19 રસીનું નામ ChAdOx1 nCoV-19 રખાયું છે અને માનવ પરિક્ષણના તબક્કામાં છે.યુકેમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને અત્યાર સુધીમાં 17,339 લોકોના મોત થયા છે તેમજ 1.25 લાખથી વધુ કોરોનાની લપેટમાં આવ્યા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રસીના પરિક્ષણમાં છ માસ જેટલો સમય લાગી શકે છે અને અત્યંત ઓછી સંખ્યામાં લોકો પર રસીનું પરિક્ષણ કરાશે જેથી વૈજ્ઞાનિકો સચોટ રીતે જાણી શકે કે આ રસી વાસ્તવમાં કેટલી અસરકારક છે.એક વખત પરિક્ષમમાં સામેલ થયેલા સ્વયંસેવકે તેની અંદર રસી મુક્યા બાદ ચારથી 11 વખત સેન્ટર પર મુલાકાત માટે આવવાનું રહેશે.કોરોનાની રસીનું પરિક્ષણ ઓછા લોકો પર એટલા માટે કરાશે કારણ કે કોઈ અનિચ્છનિય પરિણામ આવે તો મોટાપાયે લોકો પ્રભાવિત ના થાય.
એક વિજ્ઞાનીએ દાવો કર્યો હતો કે કોરોના વાયરસની બીમારી વિશ્વ સામે નવી હોવાથી આટલી જલ્દી અસરકારક રસીની શોધ કરવી મુશ્કેલ છે અને જો કોઈ રસી શોધાઈ જાય છે તો તેની અસરકારકતા સામે પણ પ્રશ્નાર્થ રહે છે.માનવ પરિક્ષણ સારી બાબત છે પરંતુ સફળતનો દર ઘણો ઓછો રહેતો હોય છે.વિશ્વમાં હાલમાં 100થી વધુ કોરોના વાયરસની રસીની શોધ ચાલી રહી છે.