– કોરોનાએ બ્રિટનના હાલ-બેહાલ કરી નાખ્યાઃ ૧૭૦૬ બાદ પહેલીવાર ૨૦૨૦માં થઈ ખરાબ પરિસ્થિતિઃ અર્થવ્યવસ્થામાં ૧૪ ટકાનો ભયંકર ઘટાડો : વર્ષના પ્રથમ ૬ માસના ગાળામાં અર્થવ્યવસ્થા ૩૦ ટકા ઘટશેઃ બેકારી બમણી થશેઃ દર ૧૦મો માણસ બેકાર બની જાય તેવી શકયતા
લંડન, તા. ૮ :. દુનિયાના તમામ દેશોને ઉપનિવેશ બનાવી તેના ઉપર રાજ કરનાર બ્રિટનની કોરોનાએ ઘોર ખોદી નાખી છે.બીજા અને પહેલા વિશ્વ યુદ્ધથી પણ ખરાબ આર્થિક હાલત થઈ ગઈ છે.બેન્ક ઓફ ઈંગ્લેન્ડે અર્થવ્યવસ્થામાં ભયંકર ઘટાડાની આશંકા જણાવતા કહ્યુ છે કે દેશને ૧૭૦૬ બાદ ૩૦૦ વર્ષમાં પહેલીવાર આટલી મોટી મહામંદીનો સામનો કરવો પડી શકે છે.આ બેન્કે કહ્યુ છે કે બ્રિટીશ અર્થવ્યવસ્થા આ વર્ષના પ્રથમ ૬ માસના ગાળામાં ૩૦ ટકાથી પણ વધુ ઘટી શકે છે.આ સિવાય બેકારીનો દર પણ ડબલ થઈ શકે છે અને દેશમાં દર ૧૦મો વ્યકિત બેકાર બની જાય તેવી શકયતા છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે કહ્યુ છે જો અર્થ વ્યવસ્થાને સંભાળવા માટે ઝડપથી પ્રયાસ નહી કરાય તો બેરોજગારોની સંખ્યામાં ઘણો વધારો થઈ શકે છે.જો કે બેન્કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ૬ માસિક ગાળામાં ગ્રોથમાં વધારો થવા અને સ્થિતિ સુધરે તેવી આશા છે.આ બેન્કે કહ્યુ છે કે લોકડાઉનમા ઢીલ આપ્યા બાદ આર્થિક પ્રવૃતિ વેગ પકડશે અને કેટલોક સુધારો જોવા મળશે.બેન્કે કહ્યુ છે કે સમગ્ર વર્ષના અનુમાનને જોઈએ તો અર્થવ્યવસ્થામાં ૧૪ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.જો કે તેની અસર લાંબા સમય સુધી રહેશે પરંતુ ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે.બ્રિટનના આંકડા અનુસાર ૧૭૦૬ બાદ પહેલીવાર આટલા મોટાપાયે વાર્ષિક ઘટાડો જોવા મળશે.કોરોનાના કારણે ભારત,ચીન,અમેરિકા સહિત વિશ્વભરની અર્થવ્યવસ્થાને માઠી અસર થઈ છે. મહિનાઓના લોકડાઉનને કારણે ઔદ્યોગીક એકમો ઠપ્પ છે અને ડિમાન્ડ ઘટતા જોરદાર મંદીનો માહોલ સર્જાય ગયો છે.બ્રિટનમાં અત્યાર સુધી કોરોનાએ ભારે ઉપાડો લીધો છે.અત્યાર સુેધીમાં અનેકના મોત થયા છે અને અનેક લોકો કોરોનાગ્રસ્ત થયા છે.બ્રિટનના વડાપ્રધાનને પણ કોરોના થયો હતો અને તેઓએ કોરોનાની સારવાર પણ લીધેલ હતી.


