વાપી નજીકના વલવાડામાં રહેતા અને કરમબેલેમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા 60 વર્ષના વૃદ્ધના બ્રેન ડેડ બાદ સોમવારે ઓર્ગન ડોનેટ કર્યા હતા. આ ઓર્ગેનને નિયત સ્થળે પહોંચાડવા માટે પોલીસે નેશનલ હાઇવે જામ કરીને ગ્રીન કોરીડોરના માધ્યમથી સુરત અને ત્યારબાદ હવાઇ માર્ગે અમદાવાદની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. વલસાડ જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત શરીરના મહત્વના અંગોને દાન કરીને અન્યને નવજીવન આપવાનું મહત્વનું કાર્ય થયું છે.
મુળ ક્ચ્છના અબડાસા તાલુકાના સાંધણગામના વતની અને વર્ષોથી વાપી નજીકના વલવાડાગામે સાઇ મંદિરની બાજુમાં રહેતા અને કરમબેલામાં અનાજ કરિયાણાની દુકાન ચલાવતા 60 વર્ષના રમેશભાઇ મીઠુભાઇ ભાનુશાલીને (મીઠિયા) ત્રણ દિવસ અગાઉ બ્રેન સ્ટોક થતાં તેમને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે, બે દિવસ સુધી કોમામાં રહ્યા બાદ તેઓ સંપૂર્ણ બ્રેન ડેડની હાલતમાં પહોંચી ગયા હતા. આખરે હોસ્પિટલના સંચાલક અને સમાજના અગ્રણીના અથાગ પ્રયાસ અને ગાયત્રી ડામાની સહાયથી રમેશભાઇના પરિવારે ઓર્ગેન ડોનેટ કરવાનો નિર્ણય લીધો હતો.
અમદાવાદની સિમ્સ હોસ્પિટલથી નિષ્ણાંત તબીબની ટીમ સોમવારે હરિયા હોસ્પિટલમાં પહોંચીને જરૂરી સર્જરી કરીને આંખ, કિડની અને લીવર જેવા મહત્વના ઓર્ગન લેવાયા હતા. ઓર્ગનને ગ્રીન કોરીડોરના માધ્યમથી હાઇવે જામ કરીને બાયરોડ સુરત સુધી અને ત્યારબાદ હવાઇ માર્ગે અમદવાદ લઇ જવાશે.
માત્ર આંખ દાન કરવાનુ઼ં કહ્યું હતું, લીવર- કિડની પણ અપાયા
પિતાએ અગાઉ તેમના મૃત્યુ બાદ આંખ દાન કરવાની જાહેરાત કરી હતી જોકે, બ્રેન ડેડ થયા બાદ હોસ્પિટલના સંચાલકો અને સમાજના અગ્રણી દ્વારા જરૂરી સમજણ અપાતાં આખરે લીવર અને કિડનીનું પણ દાન કરાયું છે. – દિપક ભાનુશાલી, મૃતકનો પુત્ર
સાડા ત્રણ કલાક સુધી નિષ્ણાંત તબીબોએ સર્જરી કરી
અંગો દાન કર્યા બાદ મૃતકના પરિવારે હોસ્પિટલમાં એકતરફ સ્વજન ગુમાવવાનો અફસોસ તો બીજી તરફ દાન કરાયેલા અંગોથી કોઈકને નવજીવન મળ્યાનો આનંદ હતો. પરિવાર ભાવુક બન્યો હતો.
120 કિમીનું અંતર માત્ર 80 મિનિટમાં કપાયું હતું
સર્જરી બાદ સાંજે 7 કલાકે ચાંપતો પોલીસ બદોબસ્ત વચ્ચે સ્પેશિયલ કાર્ડિયાક વાન સુરત જવા માટે નીકળી હતી. વાનને ટ્રાફિક ન નડે એ માટે અગાઉથી જ પોલીસે હાઇવે ઉપર વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. વાપીથી ઓર્ગન લઇને નીકળેલી વાન માત્ર 80 મિનિટમાં સુરત પહોંચી હતી ત્યાંથી હવાઇ માર્ગે અમદવાદ લઇ જવાયા હતા.જ્યાં જરૂરિયાતને ટ્રાન્સપ્લાન્ટ કરાશે.


