એક અરજીમાં આપના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને અમાનતુલ્લાહ ખાન સામે ફરિયાદની માંગ કરાઈ છે
એજન્સી, નવી દિલ્હી
ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. એક અરજીમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા તેમજ આમ આદમી પાર્ટીના અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ હેટ સ્પીચ બદલ ફરિયાદ નોંધવા માંગ કરાઈ છે.
દિલ્હી હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં કથિત હેટ સ્પીચની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) રચવાની માંગ પણ કરવામાં આવી છે. હિન્દુ સેનાએ કરેલી વધુ એક અરજીમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના નેતાઓ અસદુદ્દીન ઓવૈસી તેમજ અકબરુદ્દીન ઓવૈસી સામે પણ ઉશ્કેરણીજનક ભાષણ કરાયું હોવાનું જણાવાયું છે. આ અરજીમાં મુંબઈના એઆઈએમઆઈએમના ધારાસભ્ય વારિસ પઠાણ દ્વારા પણ ભડકાઉ ભાષણ કરાયું હોવાનો ઉલ્લેખ છે. અરજીમાં જણાવાયું છે કે આવા લોકોએ કરેલા ભાષણને લીધે જ દિલ્હીમાં હિંસા ભડકી છે અને અનેક લોકોના મોત થયા છે.