છ ટર્મથી ભરૂચ લોકસભાનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ મનસુખ વસાવાએ મંગળવારે ભાજપમાંથી રાજીનામું આપ્યાનું જાહેર કર્યું હતુ.પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને ઉદ્દેશીને લખેલા પત્રમાં ”બજેટ સત્રમાં સ્પિકરને મળી લોકસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપીશ” એવી ચિમકી પણ આપી છે.ત્યારે આજે ફરી એકવાર મનસુખ વસાવાએ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે.
સાંસદ મનસુખ વસાવાને આજે મીડિયા સાથેની વાતચીતમાં તેમને લંડન,યૂપીના નંબર પરથી ધમકી ભર્યો ફોન આવ્યો હોવાની વાત જણાવીને ગુજરાતની રાજનીતિમાં ફરી ભૂકંપ લાવી દીધો છે.લંડન,યૂપીના નંબર પરથી કોઈએ ફોન કરીને લવ જેહાદ મુદ્દે ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે.આ ઘટના બાદ સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ પોલીસ વડાને જાણ કરી દીધી છે અને પોતાના ફોન નંબર પર આવેલા લંડન અને યૂપીના નંબરો પણ આપી દીધા છે.આ ઘટના બાદ તેઓ રાજ્યના ગૃહરાજ્યમંત્રીને રજૂઆત પણ કરવાના છે.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ લેવજેહાદ અંગે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓનાં વેચાણને અટકાવવા માટે પણ રાજ્યનાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.આ સ્ફોટક રજુઆતને પગલે ખળભળાટ મચી ગયો હતો.આ ઉપરાંત વસાવાએ લવ જેહાદ મુદ્દે પણ ગંભીર પ્રકારના આક્ષેપો લગાવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં આ કાયદો આવ્યા બાદ ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવે તેવી માંગ ઉઠવા લાગી છે.
MP વસાવાને CM રૂપાણીએ આજે ગાંધીનગર બોલાવ્યા
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યુ કે, મનસુખભાઈએ રાજીનામું આપ્યુ નથી આપવાનું કહ્યુ છે.મે તેમની સાથે વાત કરી છે,તેમણે કેટલાક મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી.આ બાબતે મુખ્યમંત્રી સાથે મંત્રણા કરીને સોલ્યુશન લાવવાની વાત કરી છે અને ટૂંક સમયમાં નિરાકરણ આવશે. આ તરફ સરકાર અને ભરૂચમાં મધ્યસ્થી કરી રહેલા ટોચના નેતાઓના કહેવા મુજબ સાસંદ વસવા બુધવારે ગાંધીનગર આવીને મુખ્યમંત્રી રૂપાણી સાથે બેઠક કરશે.
ભાજપના સાંસદપદે, ભારત સરકારમાં મંત્રીપદે રહીને વારંવાર પોતાની જ પક્ષની સરકારના નિર્ણયો સામે મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે.પાંચ દિવસ પહેલા SOU નજીક ઈકો સેન્સેટિવ ઝોન રદ કરવા સાંસદ વસાવાએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો.હવે મંગળવારે પ્રદેશ પ્રમુખ પાટીલને પત્ર લખ્યા બાદ વિવાદ વણસતા સાંસદ વસાવાએ મીડિયા સમક્ષ ”પોતાની તબિયત નાદુરસ્ત છે,કમરના દુખાવાની તકલીફને કારણે નાના મગજને અસર થતી હોવાથી પ્રવાસ પણ કરી શકતો નથી” તેવુ બહાનું આગળ ધર્યું હતું. હકિકતમાં વસાવા પોતાના મતક્ષેત્ર જ નહિ આજુબાજુના આદિવાસી વિસ્તારોમાં પણ સતત એક્વિટ રહે છે. સોસિયલ મિડિયામાં વહેલા થયેલા રાજીનામાના પત્ર બાદ ભાજપના હોદ્દેદારોએ સાંસદ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.મોડી રાતે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ભરૂચ ખાતે વસાવાના ઘરે પણ પહોંચ્યા હતા.પ્રમુખ પાટીલે આ સિનિયર સાંસદને મનાવી લેવાનો દાવો કર્યો હતો.સાંસદ વસાવાના આ પત્ર પાછળ SOU નજીક ૧૨૧ ગામોમાં થઈ રહેલા ઈકો સેન્સેટિવ ઝોન ઝોનનો વિરોધ મુખ્ય કારણ હોવાનું જાણવા મળ્યુ છે.
વડાપ્રધાન મોદીએ ઠપકો આપ્યાની ચર્ચા વચ્ચે મનસુખ વસાવાએ કહ્યું : ભૂલ થઈ, માફ કરો
પોતાના ભાજપની જ સરકારની નીતિ,નિર્ણયો સામે નિવેદનો,પત્રો લખવા માટે જાણિતા સાંસદ મનસુખ વસાવાએ SOU મુદ્દે કરેલા ઉચ્ચારણો સંદર્ભે વડાપ્રધાન મોદી બરાબરનો ઠપકો આપ્યાની ચર્ચા વચ્ચે મંગળવારે ભાજપમાંથી રાજીનામા આપવા સંદર્ભે પત્ર લખ્યો છે.જેમાં મનસુખ વસાવાએ ‘મનુષ્યના નાતે જાણે અજાણે પણ ભૂલ થતી હોય છે.મારી ભૂલના કારણે પક્ષને નુકસાન પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું.જે બદલ મને પક્ષ ક્ષમા કરે,મને માફ કરે’ એવુ લખ્યું છે. આ લખાણ બાદ પાંચ દિવસ પહેલા વસાવાએ મોદીને લખેલા પત્ર બાદ મળેલા ઠપકાની ચર્ચાને વધુ બળ મળ્યુ છે.
BTP, કોંગ્રેસનું વિરોધ આંદોલન હાઈજેક કરવા ભાજપની સ્ટ્રેટેજી
ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે છોટુ વસવાની BTP અને કોંગ્રેસ લાંબા સમયથી આંદોલન કરે છે.નર્મદા અને ભરૂચ જિલ્લામાં કાયમથી તાલુકા અને જિલ્લા પંચાયતોમાં આ બંને પક્ષોનું શાસન રહ્યું છે.તેવામાં હવે સ્થાનિક ચૂંટણી નજીક છે,આથી,કોંગ્રેસ અને BTPના મુદ્દા હાઈજેક કરી આંદોલનકારી આદિવાસીઓને પોતાની તરફે વાળવા માટે ભાજપની આવી સ્ટ્રેટેજી હોવાનું કહેવાય છે.એટલા માટે મંગળવારે સવારે સાંસદ મનસુખ વસવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને બાદમાં મોડી સાંજ સુધીમાં ભરૂચ જિલ્લાના ૨૭ જેટલા હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા.
રાજીનામા કે ત્રાગા? ઈનામદારે સરકારને દબાવી બિલ ભરાવ્યું !
ભાજપમાં કોઈ પણ હોય રાજીનામા પાછળ એક ચોક્કસ રણનીતિ સમાવેયેલી હોય છે.ભૂતકાળમાં સૌરાષ્ટ્રના સાસણમાં ઈકો સેન્સેટિવ ઝોન સામે તલાલામાં ભારે આંદોલન થયું હતું.તેને પણ ભાજપે હાઈજેક કરીને પોતાની જગ્યા બનાવી હતી.તો વર્ષ અગાઉ ભાજપમાં જ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપીને દબાણ વધારી નગરપાલિકાનું બાકી લાઈટ બીલ સરકાર પાસે ભરાવ્યુ હતુ.


