– ભાડભુત બેરેજ યોજનામાં 25 હજાર માછીમારો માટે વૈકલ્પિક રોજગારની દરખાસ્તમાં 6 મહિનાથી વિલંબ
– ત્રણ વર્ષથી બેરેજમાં સહકાર આપતો સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ ફરી સંઘર્ષના માર્ગે
– ભરૂચમાં 5 વર્ષ બાદ વડાપ્રધાનના આગમન ટાણે જ ભાડભૂત બેરેજને લઈ માછીમારોએ વિરોધનો સુર વ્યક્ત કર્યો
સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા ગુરૂવારે વડાપ્રધાન,મુખ્યમંત્રીને સંબોધતુ આવેદન વહીવટી તંત્રને અપાયું છે.જેમાં જણાવ્યું છે, અમે છેલ્લા 3 વર્ષથી સંઘર્ષ છોડી ભાડભૂત બેરેજ માટે સહકાર અપાતા હતા.છેલ્લા 6 મહિનામાં મુખ્યમંત્રીને રૂબરૂ 5 વખત મળ્યા છે.જિલ્લાના 25 હજાર માછીમારો માટે વૈકલ્પિક રોજગારીની દરખાસ્ત હજી મંજુર થઈ નથી.ભરૂચ ભાજપના એક મોટા નેતા,કલ્પસર અને મત્સ્ય વિભાગના અધિકારીઓ તેને અવરોધી રહ્યાનો આક્ષેપ કરાયો છે.જો 7 દિવસમાં દરખાસ્ત મંજુર નહિ કરાઈ તો આગામી 10 ઓક્ટોબરે માછીમાર સમાજ એ નેતા અને અધિકારીઓને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ખુલ્લા પાડવા વિરોધ નોંધાવશે.
વડાપ્રધાનનું એક સ્વપ્ન બેરેજ માટે 25 હજાર માછીમારોના સપના ચકનાચુર કરી શકાય નહીં તેવી પણ હૈયા વરાળ ઠાલવી છે.વધુમાં નર્મદા નદી અને અરબી સમુદ્રના મુખ પ્રદેશ આગળ બેરેજ બનતા આજીવિકા રળી આપતી હિલ્સાથી હાથ ધોવાનો વારો આવશે તેવી દહેશત પણ વ્યક્ત કરી આ બેરેજનું પાણી 80 ટકા ઉધોગને મળવાનું હોવાનો પણ રોષ ઠાલવવામાં આવ્યો છે.