– બે નગરસેવકોના અકાળે મૃત્યુ અને 5 બળવાખોરના કારણે આમોદ,જંબુસર અને રાજપીપળા પાલિકાની ખાલી પડેલી બેઠકો
ભરૂચ અને નર્મદા જિલ્લાની 3 નગર પાલિકાની 7 બેઠકો ખાલી પડતા યોજાયેલી પેટા ચૂંટણીમાં 5 પર ભાજપ અને એક-એક કોંગ્રેસ અપક્ષે જીતી છે.રાજપીપળા નગર પાલિકાના વોર્ડ નંબર-6ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે.નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગર પાલિકામાં વોર્ડ નંબર-6ના સભ્યનું અકાળે અવસાન થતાં તે બેઠક ખાલી પડી હતી જે બેઠક માટે રવિવારના રોજ પેટા ચૂંટણી યોજાઇ હતી.જેમાં મતદારોએ ઉત્સાહ ભેર મતદાન કર્યું હતું.જે ચૂંટણીની આજરોજ ચૂંટણી અધિકારી શૈલેષ ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં બીજેપીના યુવા ઉમેદવાર પાર્થ જોશીને 1089 મતો મળ્યા હતા.જેઓનો 756 મતોથી વિજેતા બન્યા હતા.વિજેતા ઉમેદવારને ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે અભિનંદન પાઠવ્યા હતા.જ્યારે પાર્થ જોશીની જીત થતાં ટેકેદારોએ ફૂલહાર કરી વધાવી લીધા હતા.વિજેતા ઉમેદવારે રાજપીપળા નગરપાલિકામાં વિકાસના કામોને આગળ ધપાવવા આશાવાદ વ્યક્ત કર્યો હતો.ચૂંટણી અધિકારી સૈલેશ ગોક્લાનીએ મત ગણતરી શાંતિ રીતે પૂર્ણ થતાં સૌનો આભાર માન્યો હતો.
ભરુચ જિલ્લાની બે નગર પાલિકામાં ખાલી પડેલ 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયા હતા.આમોદ નગર પાલિકાની પાંચ પૈકી ચાર બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો તો એક ઉપર અક્ષપના ઉમેદવાર વિજેતા થયા છે.જ્યારે જંબુસર પાલિકાના વોર્ડ નંબર-7માં કોંગ્રેસના ઉમેદવારે મેદાન માર્યું છે.ભરુચ જિલ્લાના જંબુસર અને આમોદ નગરપાલિકાની ચૂંટણી યોજાય હતી.જેમાં જંબુસરમાં કોંગ્રેસ તો આમોદમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.
ભરૂચની જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 7 ની યોજાયેલ પેટા ચુંટણીની મત ગણતરી આજરોજ ચુંટણી અધિકારી એમ.બી.પટેલ અને મદદનીશ ચુંટણી અધિકારી વિનોદ પરમારની ઉપસ્થિતિમા પ્રાંત કચેરી યોજાઈ હતી.જેમા મતગણતરીના અંતે કોંગ્રેસ ઉમેદવાર કાદરબેગ મિર્ઝાને તેમના પ્રતિસ્પર્ધી કરતા વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરતા તેઓના સમર્થકો તેમજ ટેકેદારોએ વિજેતા ઉમેદવારને ફૂલહાર કરી વધાવી લીધા હતા.આમોદ નગર સેવા સદનમાં પણ પેટા ચૂંટણી યોજાય હતી.જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા.અગાઉ ભારતીય જનતા પાર્ટીના આમોદ પાંચ સભ્યોએ રાજીનામ આપ્યા હતા.જે પૈકી ભાજપના 4 ઉમેદવારનો વિજય થયો હતો જ્યારે એક અપક્ષ ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા.પેટા ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો.