ભરૂચ : કોરોનાની મહામારી વચ્ચે ઉદ્યોગ જગત સાથે સંકળાયેલ અનેક સમસ્યાઓ બહાર આવી રહી છે.દહેજની એટીજી ટાયર કંપનીના કોન્ટ્રાકટના 300થી વધુ કામદારોએ પગાર અને અન્ય સમસ્યાઓને લઈ કંપની સામે હલ્લાબોલ કર્યો હતો.
દહેજની એટીજી ટાયર કંપનીના કોન્ટ્રાકટ કામદારો પગાર મુદ્દે અને અન્ય પ્રશ્નોને લઈ કંપની સામે કોલાહલ મચાવ્યો હતો.કોરોનાની ગંભીરતાને ધ્યાને લેતા સરકારે સમગ્ર દેશને લોકડાઉન કરવાની ફરજ પડી હતી.હાલ આવી પડેલી વિપદાનો સામનો કરવા સૌને એક થવા જણાવાયુ હતુ.આ સાથે વડાપ્રધાને ગરીબ અને શ્રમિક વર્ગનું વેતન નહિ કાપી મુશ્કેલ સમયમાં સહયોગ કરવા અપીલ કરી હતી.પરંતુ વડાપ્રધાનની અપીલને કેટલીક કંપનીના સંચલોકો અને કોન્ટ્રાક્ટરો ઘોળીને પી ગયા હોય તેમ લાગી રહ્યુ છે.
લોકડાઉનની અવધી જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ લોકોની અને ખાસ કરીને ઉધોગ નગરીમાં કામ કરતા કામદારોની વિવિધ સમસ્યાઓ સામે આવી રહી છે.વાગરા તાલુકામાં સેંકડો કંપનીઓ કાર્યરત છે.જે પૈકીની ગલેન્ડા ખાતે આવેલ એટીજી ટાયર કંપનીના કોન્ટ્રાકટ કામદારોનો વિવિધ સમસ્યાઓનો મામલો સામે આવ્યો હતો.કંપની ગેટની સામે 300થી વધુ કામદારોએ સવારના સમયે એકત્ર થઈ પગાર ચૂકવવા અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં મુખ્ય મુદ્દો કોન્ટ્રાકટ કર્મીઓના પગારનો હતો.શ્રમિકોના મતે હજુ સુધી કોઈપણ સ્પષ્ટતા કર્યા વગર પગાર ચુકવવામાં આવ્યો નથી.તેમજ ટ્રાન્સપોર્ટેશનમાં કંપની સુધી આવવા જવામાં સોશિયલ ડિસ્ટન્સ નહિ જળવાતું હોવાના આક્ષેપો શ્રમિકોએ કર્યા હતા.વાહનોમાં સોશિયલ ડિસ્ટન્સ નહિ જળવાતું હોવાથી તેઓને પોતાનો જીવ ભયમાં હોવાનું શ્રમિકોએ જણાવ્યુ હતુ.શ્રમિકોના હલ્લાબોલને પગલે કંપની મેનેજમેન્ટ દોડતુ થઈ ગયુ હતું.દહેજની કેટલીક કંપનીઓ અને કોન્ટ્રાક્ટરો દ્ધારા પગાર કાપી લેવા અને સંપૂર્ણ નહિ ચૂકવવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.ઘટનાને પગલે દહેજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.