અમદાવાદ,તા. 29 એપ્રિલ 2022,શુક્રવાર : મૃત ભાઈની લિવરની બીમારીની વિગતો છુપાવી પોલિસી લઈ વીમા કંપની સાથે 22 લાખની ઠગાઈ ભાઈએ જ આચર્યાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમમાં નોંધાઈ છે.ગુરુવારે દાખલ થયેલી ફરિયાદ મુજબ મૃતકની બીમારીની તેમજ વ્યસનની વિગતો ઉપરાંત હોસ્પિટલમાં દાખલ કર્યાની બાબત આરોપીએ છુપાવી હતી.આમ ખોટી રીતે રૂ.22 લાખનો ક્લેઈમ લઈ આરોપીએ ગુનાઈત કૃત્ય આચર્યું હતું.
મુંબઈ અંધેરી ખાતેની એગોણ ફાઈનાન્સ કંપનીના સીનીયર મેનેજર અજિંક્ય પ્રકાશભાઈ દેશમુખે વડોદરાના કરણ ભાઈલાલ ભીલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.જે મુજબ વડોદરાના વિજય ભાઈલાલ ભીલનાઓએ ગત તા.30-10-2020ના ઓનલાઇન ડેથ ક્લેઈમ પોલિસી રૂ.22 લાખની ફરિયાદીની કંપનીની લીધી હતી.જે પેટેનું રૂ.3060નું પ્રિમીયમ વિજયે તેના ભાઈ કરણના બેન્ક એકાઉન્ટમાંથી ભર્યું હતું.
જે પોલિસી લીધાન ટૂંકા ગાળામાં વિજયનું અવસાન થયા બાદ વારસદારમાં નામ કરણનું હોવાથી ડેથ ક્લેઇમની રકમ ચૂકવાઇ હતી. જોકે વીમા ધારકનું 21 દિવસના ટૂંકાગાળામાં અવસાન થતાં કંપનીએ ફાઈલ ઇન્વેસ્ટીગેશનમાં મોકલી હતી.જેની તપાસમાં ખુલ્યું કે, મૃતક વિજયને લિવરની બીમારી હોવાથી દસ મહિના હોસ્પિટલમાં એડમિટ હોવાની તેમજ દારૂના વ્યસનની વિગત વીમા ફોર્મમાં ભરી ન હતી.વિજયની આવક પણ વીમા પોલિસી ફોર્મમાં ખોટી બતાવવામાં આવી હતી.આમ કરણે ખોટી રીતે ક્લેઈમ કરી વીમા કંપની સાથે 22 લાખની ઠગાઈ આચરી હતી.