અમદાવાદ,તા 30 એપ્રિલ 2022,શનિવાર : ભાગીદારીમાં કન્સ્ટ્રક્શનનો ધંધો કરવા માટે શખ્સે 4 કરોડના એડવાન્સ ચેક આપી રૂ. 11 લાખની ઠગાઈ આચર્યાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુરૂવારે નોંધાઈ છે.ચાર કરોડ ક્લિયર કરાવવા ટ્રસ્ટમાંથી ઓર્ડર કઢાવવા પૈસા આપવા પડશે તેમ કહી ઠગે ફરિયાદી પાસેથી 11 લાખની રકમ કઢાવી હતી.બાદમાં ઠગાયાની જાણ થતાં પોલીસ પાસે મામલો પહોંચ્યો હતો.ચાંદખેડામાં રહેતા મહેશ કનુભાઈ પટેલે વેજલપુરની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા પ્રમેશ જશવંતભાઈ સંઘવી સામે રૂ.11.37 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ આરોપીએ ભાગીદારીમાં વેપાર કરવાની ઓફર આપી ચાર કરોડના ચેક એડવાન્સ આપ્યા હતા.તે ચેક ક્લિયર કરાવવા માટે ટ્રસ્ટમાંથી ઓર્ડર કાઢવાનું કહી પ્રથમ 5 લાખ મહેશભાઈ પાસેથી લીધા હતા
તે પછી ભાગીદારી પેઢી રજીસ્ટર કરાવી, જીએસટી નંબર લીધો બાદમાં ઓર્ડર આવી જશે તેવી ખાતરી આપી બીજા રૂપિયા લીધા હતા.જોકે 4 કરોડની રકમ ક્લિયર થઈ ન હતી. દરમિયાન ચેરિટી કમિશનરમાં વહીવટ કરવાની વાત કરી આરોપી પ્રમેશે બીજા રૂપિયા મળીને કુલ 11,37,000ની રકમ મહેશ પટેલ પાસેથી લીધી પણ 4 કરોડના ચેકની રકમ ક્લિયર થતી ન હતી.આમ આરોપી પ્રમેશ સંઘવી જુદી જુદી વાતો કરી વિશ્વાસ ભરોસો કેળવી પૈસા ફરિયાદી પાસેથી લેતો હતો.ફરિયાદીએ પોતાની રકમ પરત માંગતા આરોપીએ ચેક આપ્યા જે પણ રીટર્ન થયા હતા.પ્રમેશે પૈસા પરત કરવા અનેક વાયદા કર્યા પણ ચુકવણું કરતો ન હોવાથી મહેશ પટેલે આરોપી વિરૂધ્ધ ફરિયાદ કરી હતી.


