હાલ આખું વિશ્વ કોરોના વાયરસથી લડી રહ્યું છે. આ વૈશ્વિક મહામારીએ અત્યાર સુધી દુનિયાભરમાં લગભગ 38,000 લોકોના જીવ લીધા છે. જ્યારે અંદાજે 8 લાખ લોકો આ ખતરનાક વાયરસની ચપેટમાં છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા કિંગફિશરના માલિક વિજય માલ્યાએ ફરી એકવાર સરકાર પાસે મદદ માંગી છે.વિજય માલ્યાએ પોતાનું સંપૂર્ણ દેવું ચૂકવવાની વાત ફરી એકવાર કહી છે. વિજય માલ્યાએ ટ્વીટ કરી લખ્યું કે બેંક અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) આમાં તેની મદદ કરી નથી રહ્યા. આ દરમિયાન, ભારતમાં કોરોના વાયરસના સંકટના કારણે ચાલુ લોકડાઉન અંગે પણ વિજય માલ્યાએ ફરિયાદ કરી છે. વિજય માલ્યાએ લખ્યું છે કે ભારત સરકારે આખા દેશને લોકડાઉન કરી દીધું છે. જેનો કોઈએ વિચાર પણ કર્યો ન હતો. અમે આનું સન્માન કરીએ છીએ, પરંતુ આને કારણે મારી બધી કંપનીઓનું કામ અટકી ગયું છે. તમામ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ પણ બંધ છે. આવું હોવા છતાં, અમે અમારા કર્મચારીઓને ઘરે મોકલી રહ્યા નથી અને કિંમત ચૂકવી રહ્યા છીએ. સરકારે અમને મદદ કરવી પડશે.એવું પહેલીવાર નથી જ્યારે માલ્યાએ ટ્વીટ કરી દેવું ચૂકવવાની વાત કરી હોય. આ પહેલા પણ તે આવી ઓફર્સ આપી ચૂક્યો છે. જો કે, માલ્યા ખુદ ભારત આવવા માટે તૈયાર નથી અને છેલ્લા ચાર વર્ષની લંડનમાં છે.