વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુબ જ અંગત- વિશ્વાસુ ગણતા સુરતના મરાઠી ભાષી સાંસદ સી.આર.પાટિલને ભાજપ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ અધ્યક્ષપદે નિમણૂંક કરી છે.સોમવારે બપોરે અચાનક દિલ્હીથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નિમણૂંકની સાથે જ પાટિલને તત્કાળ ચાર્જ સંભાળવી લેવા આદેશ કર્યો હતો.જેમનું નામ દૂર દૂર સુધી ચર્ચામાં નહોતું એવા પાટિલની નિમણૂંક સંદર્ભે સ્થાનિક નેતાઓને ગંધ આવ્યા વગર પોતાની સ્ટાઈલ મુજબ રાષ્ટ્રીય નેતૃત્વ નિર્ણય કર્યો છે.જેનાથી ગુજરાત ભાજપમાં ટોપ ટુ બોટમ સ્થાનિક નેતાગીરીના હોશકોળ ઊડી ગયા છે.
નિમણૂંક પત્રમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સી.આર. પાટિલને તત્કાળ ગુજરાત પ્રદેશ અધ્યક્ષપદનો ચાર્જ સંભાળવા આદેશ કર્યો હતો.જે વાંચીને એક- દોઢ વર્ષથી મુદ્દત વધારો ભોગવી રહેલા જીતુ વાઘાણીએ કમલમ્ ઉપર જઈને અધ્યક્ષપદ છોડવાનુ જાહેર કર્યું હતુ.ગુજરાત ભાજપના ઈતિહાસમાં સાવ છેલબટાઉ અને ગંભીર ન હોવાની છાપવાળા જીતુ વાઘાણીની હકાલપટ્ટી થતા કાર્યકરોમાં આનંદો વ્યાપ્યો છે.જો કે,નવા નિમણૂંક થયેલા સી.આર.પાટિલે પ્રદેશ અધ્યક્ષપદનો ચાર્જ સોમવારે મોડી સાંજ સુધી સંભાળ્યો નહતો.પાટિલ ગાંધીનગરમાં સર્કિટ હાઉસમાં હતા.સોમવારે અષાઢી અમાસ હોવાથી તેઓ કમલમ જઈને પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ નહી સંભાળે તેવી અટકળો વહેતી થઈ હતી.ગુજરાતમાં ૨૫ વર્ષથી શાસનમાં રહેલા ભાજપે જ્ઞાતિવાદી રાજકારણને હાસિંયામાં મુકવાનું શરૂ કર્યુ હોય તેમ ધાર્મિક લધુમતિ વર્ગમાંથી આવતા વિજય રૂપાણીને મુખ્યમંત્રીપદ સોંપ્યા બાદ હવે ભાષાકિય લધુમતિના પાટિલને પ્રદેશ અધ્યક્ષપદે બેસાડતા આવી રહેલી આઠ વિધાનસભાની પેટા ચૂંટણી અને પાલિકા- પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં તેની શી અસરો પડે છે તેના ઉપર સૌની નજર છે.
સૌરાષ્ટ્ર અને પાટીદારોના પ્રભુત્વનો અંત
૧૯૮૦માં કેશુભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ હતા.૯૦ના દાયદામાં સત્તા મેળવ્યા બાદ પ્રદેશ અધ્યક્ષ અથવા મુખ્યમંત્રી પદ પાટીદાર પાસે જ રહ્યુ છે.કેશુભાઈ, આનંદીબહેન મુખ્યમંત્રી પદે હતા ત્યારે કાશીરામ રાણા,વજૂભાઈ,રાજેન્દ્રસિંહ રાણા અને રૂપાણી પ્રદેશ અધ્યક્ષપદે હતા.મોદીના કાર્યકાળ વખતે રૂપાલા- ફળદૂ જેવા સૌરાષ્ટ્રના પાટીદારોને પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળવાની તક મળી હતી.ભાજપમાં પહેલીવાર પાટીદાર પાવરનો અંત આવ્યો છે.એટલુ જ નહી,૧૯૯૬ પછી પ્રદેશ ભાજપ અધ્યક્ષનું પદ સૌરાષ્ટ્રના નેતાઓ પાસે જ રહ્યુ છે જે હવે દક્ષિણ ગુજરાતમાં જતા સૌરાષ્ટ્રનો પ્રભુત્વ પણ ઓછું થયું છે.
સ્થાનિક નેતાગીરી અંધારામાં રહી
સોમવારની બપોરે સવા ચારેક વાગ્યે દિલ્હીથી જેવુ સી.આર.પાટિલનું નામ જાહેર થયુ કે તુરંત જ ”સત્તામાં તો અમારા સિવાય બીજુ કોઈ જ નહી” એવી માનસિકતા ધરાવતા ભાજપના નેતાઓને જાણે સાપ સુંઘી ગયો હોય એમ મોંઢા પડી ગયા હતા.
હવે પાટિલને સાહેબ કહેવા પડશે, મંત્રી રૂપાલાએ ટ્વિટ ડિલીટ કર્યું !
ગુજરાતમાં એકાદ અપવાદને બાદ કરતા તમામ નેતાઓને પાટિલ પસંદ નથી એ જગજાહેર છે.ત્રણ ટર્મથી સાંસદ સી. આર.પાટિલને હવે ભાજપના આ તમામ નેતાઓને સાહેબ કહેવા પડશે ! તેમની પ્રદેશ અધ્યક્ષપદે નિમણૂંક થયા બાદ કેન્દ્રીય મંત્રી અને સિનિયર નેતા પરસોત્તમ રૂપાલાએ શુભેચ્છા આપતુ ટ્વિટ કર્યુ જેમાં પક્ષના નિયમ મુજબ પાટિલને સાહેબ પણ કહ્યા પરંતુ,પાછળથી જાણે ‘હું આવડો મોટો નેતાને ઈને હું સાહેબ કેવાનું’ એવું ફીલ થતા ટ્વિટ ડિલેટ કરી નાંખ્યુ હતું.
શ્રી કમલમ્માં પેટા ચૂંટણીની બેઠક મળી,પાટિલ ન આવ્યા,સર્કિટ હાઉસમા બેઠા !
કમલમ્ ખાતે સોમવારે સાંજે વિધાનસભાની પેટાચૂંટણીઓની તૈયારીઓ માટે પૂર્વ નિશ્ચિત બેઠકનું આયોજન થયુ હતુ.જેમાં વાઘાણી,મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના કોરગ્રુપના સભ્યો હાજર હતા.જો કે,નવા અધ્યક્ષ સી.આર.પાટિલ આ બેઠકમાં ન આવ્યા અને ગાંધીનગરમાં સર્કિટ હાઉસમા બેસી રહ્યા હતા.ભાજપના નેતાઓનું કહેવુ છે કે,તેમણે ચાર્જ સંભાળ્યો નહોતો એટલે આવ્યા નહોતા.
પાટિલે પ્લેન રોકીને આંદોલન કર્યુ ત્યારથી મોદી આફરિન થઈ ગયા
ગોધરાકાંડ પછી કેન્દ્રમાં UPA સરકારે મોદી સરકારને ભીંસમાં લેતા સુરતમાં એર ઈન્ડિયાની તમામ ટિકિટો ખરીદી, પોતાના આંદોલનકારી મુસાફરો દ્વારા એરપોર્ટ ઉપર પ્લેન રોકી વિરોધ કર્યો હતો.જે દેશમાં પહેલીવાર હતુ.કોઈને વિચાર ન આવે તેવી કૂનેહથી કામ પાર પાડતા પાટિલના આ અંદાજને કારણે મોદી આફરિન થઈ ગયા હતા.
વારાણસીની જવાબદારી બંને ચૂંટણીમાં પાટિલના શિરે
વર્ષ ૨૦૦૯માં પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાયા બાદ સી.આર. પાટિલ દિલ્હી,બિહાર અને ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રચ્યાપચ્યા રહ્યા હતા.મોદીના કોરગ્રૂપમાં લાંબાગાળાના આયોજનમાં આગળ વધતા વર્ષ ૨૦૧૪ અને છેલ્લે ૧૯ની લોકસભા ચૂંટણી વખતે પણ ઉત્તરપ્રદેશના વારાણસી મતક્ષેત્રની જવાબદારી તેમના શીરે હતી.
સ્કૂલના બાળક જેવી ભાષા બોલતા વાઘાણીથી ભાજપનો છુટકારો
મકરંદ દેસાઈ,કાશીરામ રાણા,વજુભાઈ વાળા, આર.સી.ફળદુ એવા અનેક સૌમ્ય,પોતાના સમયમાં જનમાનસ પર શબ્દોનું વજન ધરાવતા નેતાઓ ભાજપના પ્રદેશ પ્રમુખપદે રહ્યા છે.આ શૃખંલામાં આવી ગુણવત્તાના કોઈ નેતા જ ન હોય તેમ ભાજપે સાવ સ્કૂલી બચ્ચા જેવી ભાષા બોલતા જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખપદે બેસાડતા ચાર વર્ષથી હૈયાવરાળ ઠાલવતા પાયાના કાર્યકરોને હાશકારો થયો છે.
હવે વાઘાણીનું શુ થશે ?
હવે વાઘાણીનું શુ થશે ? તેમને તો રૂપાણી સરકારમાં કેબિનેટ કે ગૃહમંત્રી થવુ છે પરંતુ રાષ્ટ્રીય સ્તરે કોઈક રાજ્યના પ્રભારી કે કોઈ મોરચાના અધ્યક્ષ- ઉપાધ્યક્ષ બનાવી દેવાય તેવી ચર્ચા ભાજપમાં થઈ રહી છે.
નિમણૂંકને અમે વધાવીએ છીએ
ગુજરાતના અધ્યક્ષ તરીકે સી.આર.પાટિલની નિમણૂકને અમે વધાવીયે છીએ.જૂના કાર્યકર્તા છે,નાના સ્તરેથી સાંસદ સ્તરે અનેક ભૂમિકા ભજવી છે.તેમના નેતૃત્વમાં ભાજપ અવશ્ય ખૂબ વિકાસ સાધશે,આવનારી ચૂંટણીમાં સારી રીતે વિજય પ્રાપ્ત કરશે તેની સંપૂર્ણ શ્રદ્ધા છે.- વિજય રૂપાણી, મુખ્યમંત્રી
પેટાચૂંટણીમાં બધી બેઠકો જીતીશું
૨૫ વર્ષ બાદ દક્ષિણ ગુજરાતના નેતાની પ્રદેશ ભાજપ પ્રમુખપદે વરણી કરાઈ
એક સમયે ગુજરાત ભાજપના સુપ્રિમો ગણાતા કાશીરામ રાણાનો હાથ પકડીને ભાજપમાં પ્રવેશ કરનારા સી. આર.પાટિલે આજે ૨૫ વર્ષ બાદ તેમની જગ્યા લીધી છે.૧૯૯૫ બાદ પહેલી વખત દક્ષિણ ગુજરાતના રાજકીય આગેવાનને પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નિમણુંક આપવામાં આવી છે.ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો ભારે દબદબો હોવાથી દક્ષિણ ગુજરાતના આગેવાનોને પ્રદેશ કક્ષાએ મોટી જવાબદારી મળતી નથી એવો છુપો ગણગણાટ હંમેશથી ચાલતો આવે છે.૧૯૯૫માં પ્રદેશ ભાજપની કમાન સુરતના સાંસદ કાશીરામ રાણાને સોપવામાં આવી હતી.૨૦૦૯માં તેઓે જિદગીની પહેલી ચૂંટણી સુરત નવસારી લોકસભા બેઠક પરથી લડયા. રાજકીય કારકિર્દીમાં સીધી લોકસભા ચુટણી લડયા હોય તેવા જુજ રાજકારણીઓેમાં સી.આર.પાટિલનો સમાવેશ થાય છે.૨૦૦૯ બાદ ૨૦૧૪માં તેઓ ફરી સુરત નવસારી લોકસભા બેઠક પરથી ચૂંટાયા.૨૦૧૯માં તેઓ સમગ્ર દેશમાં સૌથી વધુ ૬૮૯૬૬૮ મતની સરસાઇથી ચુટણી જીત્યા.
મોદીના નિકટવર્તી અને વિશ્વાસુ તરીકે પણ પાટિલ જાણીતા છે.મોદી સાથે તેમને સંઘકાળનો સંબંધ છે,મોદી વડાપ્રધાન બન્યા બાદ તેમના વિદેશ પ્રવાસ,સત્કાર સમારોહોની મોટાભાગની વ્યવસ્થા પાટિલ દ્વારા ગોઠવાતી આવી છે.મોદીના મત વિસ્તાર વારાસણીમાં પણ પાટિલને ચૂંટણી પ્રભારી જેવી મોટી જવાબદારી તેમને સોંપાઇ હતી.વર્તમાન સમયે પણ પાટિલ જ વારાસણીની બધી બાબતો સંભાળી રહ્યા છે.કોંગ્રેસે પાટીદાર ર્હાિદક પટેલની કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂંક કરી છે. કોંગ્રેસની ચાલને માત આપવા ભાજપ પણ કોઇ પાટીદાર ચહેરાને આગળ કરે એવી ગણતરી વધુ એક વખત મોદી-શાહની જોડીએ ખોટી પાડી છે.


