આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા માલેતુજાર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.જોકે અભ્યાસની વાત કરીએ તો 6 પાસને પણ ટિકિટ આપી દેવામાં આવી છે.ઉમેદવારોના કબૂલાતનામામાં જણાય આવે છે કે, ઉમેદવારોની સ્થાયી જંગમ મિલકત,ઝવેરાત,ડીપોઝીટ અને રોકડ પર નજર નાખવામાં આવે તો વોર્ડ નં.7ના ઉમેદવાર લલિત વેકરિયા પાસે રૂ.8.20 કરોડની મિલકત છે. તેની સામે 5.71 લાખની લોન બાકી છે.તેમણે સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે.
વોર્ડ નં.10ના ઉમેદવાર ઉર્વશી પટેલ પાસે રૂ.2.41 કરોડની મિલકત છે તેની સામે 19.29 લાખની લોન છે. ઉર્વશી પટેલે પીજીડીસીએની ડિગ્રી મેળવી છે.વોર્ડ નં.11ના ઉમેદવાર કેયુર ચપટવાલા રૂ.4.12 કરોડના આસામી છે.રૂ.12.26 લાખની લોન છે. તેમણે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. વોર્ડ નં.14ના ઉમેદવાર દિનેશ જોધાણી પાસે રૂ.1.20 કરોડની મિલકત છે તેની સામે રૂ.27 લાખની લોન બાકી છે. તેમણે એલએલએમની ડિગ્રી મેળવી છે.
વોર્ડ નં.15માં ઉમેદવારી કરનાર રૂપા ભાર્ગવભાઇ પંડ્યા રૂ.38.50 લાખની મિલકત ધરાવે છે અને એસએસસી સુધીનો અભ્યાસ કર્યો છે.આ જ વોર્ડના ઉમેદવાર રાજેશ હરજીભાઇ જોળીયા પાસે રૂ.29.91 લાખની મિલકત છે તેની સામે 4.36 લાખની લોન છે.તેમણે એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.વોર્ડ નં.23ના ઉમેદવાર ગીતા રબારી રૂ.37.46 લાખની મિલકત ધરાવે છે.તેણે ધોરણ 6 સુધીનો અભ્યાસ કર્યો છે.