ગુજરાતમાં નાટ્યાત્મક રીતે નેતૃત્વ પરિવર્તન બાદ દેશમાં સૌ પ્રથમ વખત ભાજપે ‘નો રિપિટ થિયરી’નો પ્રયોગ કર્યો છે.જેમાં રૂપાણી સરકારના તમામ મંત્રીઓની જગ્યાએ નવા ચહેરાને તક આપવામાં આવી છે.હવે દેશના અન્ય રાજ્યોમાં પણ ભાજપ ‘નો રિપિટ થિયરી’ની રણનીતિ પર આગળ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે,તેવામાં વાઘોડિયા બેઠક પરથી ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મોટું નિવેદન આપ્યું છે.
‘ભાજપ ભલે નો રિપિટ થિયરી અપનાવે, પરંતુ મને તો ટિકિટ આપશે.આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી ભલે કોઈ બીજાને ફરીથી ટિકિટ આપે કે ના આપે, પરંતુ મને તો આપશે જ.હું હજુ પણ 28 વર્ષનો જ દેખાવ છું.હું વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી જ આ છેલ્લી ચૂંટણી લડવાનો છું.મારા પછી મારો પુત્ર દિપક શ્રીવાસ્તવ આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ઉભો રહેશે.’
ગઈ કાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા નીતિન પટેલે આગામી વિધાનસભાની ચૂંટણી મહેસાણાથી લડવાની જાહેરાત કરી હતી.ત્યારે હવે ભાજપના વધુ એક ધારાસભ્યે પણ ફરીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.વાધોડીયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ચૂંટણી લડવાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે.તેમણે હુંકાર કરતાં જણાવ્યું હતું કે, હું વાધોડીયાથી જ ચુંટણી લડવાનો છું.હું ચુંટણી લડીશ અને જીતીશ.નો રીપીટ થિયરી બીજા માટે હશે મધુ શ્રીવાસ્તવ માટે નહીં.છ વખતથી ધારાસભ્ય છું,સાતમી વખત પણ હું ચુંટણી લડીશ.હજુ તો હું જુવાન છું, હજી તો 25 વર્ષની ઉંમર જેવો જ છું. હું 25 હજાર વોટથી જીતીશ, મને કોઈ નહિ હટાવી શકે કે હરાવી શકે.
ગઈ કાલે નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, હું 2022ની ચૂંટણી મહેસાણાથી લડીશ.તેમણે જણાવ્યું હતું કે, હું 40 વર્ષથી રાજનીતિમાં સક્રિય છું. લોકો હોદ્દાને માન આપે છે, પણ આ લોકચાહના મારી વર્ષોની મહેનત છે.મેં નિષ્ઠા પૂર્વક કામગીરી કરી છે.હું 20 વર્ષ મંત્રી રહ્યો, વિધાનસભામાં પણ સક્રિય રહ્યો.તેમણે કહ્યું હતું કે, ચૂંટણી લડવી એ નક્કી મારે કરવાનું છે. ટિકિટ આપવી કે મંત્રી બનાવવાનું કામ પક્ષે નક્કી કરવાનું છે. 2022ની ચૂંટણી હું મહેસાણાથી લડીશ.


