કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) જે કથિત ટૂલકીટને લઈને સામસામે હતી,હવે તેને લઈને ટ્વીટરે મોટું પગલું ઉઠાવ્યું છે. BJP પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા 18 મેના રોજ એક ટ્વીટ કરવામાં આવી હતી,જેમાં તેમણે એક ટૂલકીટનો સંદર્ભ આપતા કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હતા.હવે ટ્વીટરે આ ટ્વીટને મેનિપુલેટેડ મીડિયા બતાવી છે એટલે કે આ દાવો તથ્યાત્મક રૂપે યોગ્ય નથી.ઉલ્લેખનીય છે કે સંબિત પાત્રાએ 18 મેના રોજ એક ટ્વીટ કરી હતી,જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી એક ટૂલકીટ વડે કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી બગાડવાનું કામ કરી રહી છે.
સંબિત પાત્રાનો દાવો હતો કે કોંગ્રેસ એક PR એક્સરસાઈઝ કરી રહી છે,જેના વડે કેટલાક બુદ્ધિજીવીઓની મદદથી સરકાર વિરુદ્ધ માહોલ બનાવવામાં આવી રહ્યો છે.આ ટ્વીટમાં એક કાગળ શેર કરવામાં આવ્યો છે,જેમાં કોંગ્રેસનું લેટરહેડ હતું અને સોશિયલ મીડિયા પર કઈ રીતે ટ્વીટ અને જાણકારીઓ શેર કરવાની છે તે બાબતે બતાવવામાં આવ્યું હતું.
શા માટે ટ્વીટરે કરી કાર્યવાહી?
ટ્વીટરે આ ટ્વીટને લઇને હવે કાર્યવાહી કરી છે અને આ ટ્વીટને મેનિપુલેટેડ મીડિયા માર્ક આપ્યો છે. ટ્વીટર પોલિસી મુજબ જો કોઈ જાણકારી કે જે તમે ટ્વીટ કરી છે અને તેનો સોર્સ યોગ્ય નથી અને ઉપલબ્ધ જાણકારી પણ ખોટી છે તો આ રીતેનું લેબલ લગાવવામાં આવે છે.તે વીડિયો,ટ્વીટ, ફોટો કે અન્ય કોઈ પણ કન્ટેન્ટ પર લગાવવામાં આવે છે.તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની ઘણી ટ્વીટ્સ પર આ રીતેના લેબલ લગાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ જ પરમેનેન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.
કથિત ટૂલકીટને લઈને BJP અને કોંગ્રેસમાં આર-પારની જંગ ચાલી રહી હતી. BJPના આરોપોને કોંગ્રેસે નકારી દીધા હતા.રાહુલ ગાંધીથી લઈને પ્રિયંકા ગાંધી અને પાર્ટીના અન્ય મોટા નેતાઓએ BJP પર જુઠ્ઠાણુ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ તરફથી દિલ્હી પોલીસ કમિશનરને ચિઠ્ઠી લખીને સંબિત પાત્રા, જેપી નડ્ડા પર FIR દાખલ કરવાની માંગણી કરવામાં આવી હતી.કોંગ્રેસની સ્ટુડન્ટ વિંગ NSUIએ સંબિત પાત્રા વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો.