– મહેશ સવાણીના અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ આપનો ખેસ પહેર્યો
– આપના નેતાઓએ પણ માસ્ક ન પહેર્યા,સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા
સુરત : સુરતના ડભોલી વિસ્તારમાં ઉમરાળા ગામના સુરતમાં રહેતા લોકો દ્વારા
કાર્યક્રમ યોજાયો હતો.જેમાં હરીદર્શન ખાડાના 300 કરતાં વધુ સ્થાનિકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.મહેશ સવાણીના અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

શહેરની અલગ અલગ સોસાયટીઓમાંથી લોકો હવે સ્વયંભૂ રીતે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું શરૂ થયું છે.છેલ્લા ઘણા સમયથી છૂટાછવાયા સોસાયટીઓના લોકો આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સંપર્ક કરી રહ્યા છે.બીજી તરફ લોકોનો રોષ જોતા આમ આદમી પાર્ટી પણ સતત અલગ-અલગ સોસાયટીઓમાં પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓની મદદથી લોકોનો સંપર્ક વધારી રહી છે. જેનો સીધો લાભ હાલ તેમને થતો દેખાઈ રહ્યો છે.
જે સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ દેખાય તે સોસાયટીનો આપના નેતા અને કાર્યકર્તા સામેથી સંપર્ક કરે છે અથવા તો તે સોસાયટીનો કોઈપણ વ્યક્તિ આપના નેતાને મળવા આવે છે.તેની સાથે બેઠકોનું આયોજન પણ કરે છે અને તેમની સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવી શકે તેને લઈને પણ ચર્ચા કરે છે.કેટલાક અગત્યના મુદ્દાઓ વિરોધ પક્ષના નેતા અથવા તો સ્થાનિક કોર્પોરેટરની મદદથી સામાન્ય સભામાં પણ ઉઠાવવામાં આવે છે.
સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ જણાવ્યું કે, મહેશ સવાણીની આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી થતાની સાથે જ અનેક કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે ઉત્સુક થયા છે.દંડ અને દંડાથી ત્રાસીને લોકો આમ આદમી પાર્ટીમાં જઇ આવી રહ્યા છે.ભાજપમાં પણ વર્ષોથી કામ કરતા કાર્યકર્તાઓનું સન્માન ન જળવાતું હોવાથી ઘણા એવા કાર્યકર્તાઓ જે સક્રિય હતા તેઓ આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા છે.
ડભોલી વિસ્તારમાં યોજાયેલા આપના કાર્યકર્મમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો નજરે પડ્યો હતો.કાર્યકર્મમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકો માસ્ક વિના નજરે પડ્યા હતા.જ્યારે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો.આ સાથે મહેશ સવાણી સહિતના આપના નેતાઓએ પણ માસ્ક ન પહેર્યા હોવાનું સામે આવ્યું હતું.
બે દિવસ પહેલા સપ્તાહમાં 800 લોકો આપમાં જોડાયા હતા
સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાને લઈને લોકો પોતાનો રોષ અલગ અલગ રીતે વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે.બે દિવસ પહેલા છેલ્લા એક સપ્તાહમાં વોર્ડ નંબર 30,જેમાં કનસાડ,સચિન જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહીશોને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાને કારણે તેઓ આમઆદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે.વિવિધ સોસાયટીઓના અંદાજે 800 કરતાં વધારે લોકો ‘આપ’માં જોડાયા હતા.


