– ભાજપ હાઈકમાન્ડે આપ્યો નવા રાજકીય સમીકરણોનો નિર્દેશ, વર્ષોથી ચાલતો સૌરાષ્ટ્રનો દબદબો ઘટ્યો
– વર્ષો પહેલાં કાશીરામ રાણાને પ્રમુખપદ બાદ દક્ષિણ ગુજરાત ભાજપ માટે પછાત જેવું બની ગયું હતું
PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજીકના મનાતા અને મોદી-શાહની પોલિટિકલ કોર કમિટીના સભ્ય એવા સી.આર.પાટીલને હાઈકમાન્ડે પ્રદેશ ભાજપના નવા પ્રમુખ બનાવીને ગુજરાતમાં નવા રાજકીય સમીકરણની શરૂઆત કરી છે.પાટીલની વરણીથી વર્ષો બાદ ગુજરાત ભાજપના પ્રમુખપદે સૌરાષ્ટ્રનો દબદબો પણ છીનવાઇ ગયો છે.એટલું જ નહીં,ગુજરાત ભાજપના ફાયનાન્સિયલ મેનેજમેન્ટથી માંડીને ફંડ રેઈઝિંગમાં માહેર ગણાતા પાટીલને આ વરણી થકી એક પ્રકારનું ‘ઈન્સેન્ટિવ’ મળ્યું હોવાનું પણ ભાજપના ટોચના સૂત્રોનું માનવું છે.
ગુજરાતી-નોન ગુજરાતી વચ્ચે અણબનાવનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં : સી.આર.પાટીલ
ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ પાટીલે નોન-ગુજરાતી વ્યક્તિને ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી આપી છે ત્યારે ગુજરાતી અને નોન ગુજરાતીઓ વચ્ચે ક્યાંકને ક્યાંક અણબનાવ પણ થશે કે નહીં તે અંગે જણાવ્યું હતું કે મારો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે,જ્યારે હું ગુજરાતમાં મોટો થયો છું ચૂંટણી દરમિયાન લોકોએ મને પ્રેમ આપ્યો છે જેથી આવા પ્રશ્નો ઉદ્દભવશે નહીં.
લોકસભા ચૂંટણીમાં શાહના સાથીદાર રહ્યા
2014 અને 2019ની લોકસભાની ચૂંટણી વખતે અમિત શાહના સાથીદાર બનીને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ચૂંટણીના સંગઠનથી માંડીને વ્યૂહ રચના કરવામાં અગ્રેસર રહેલા એવા સી. આર. પાટીલને ભાજપ હાઈ કમાન્ડે એક નવી જવાબદારી ગુજરાત ભાજપના પ્રમુખની સોંપીને તેઓ મોદી-શાહના નજીક હોવાનું પુરવાર કર્યું છે.
મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ સુધી લોકસભા ચૂંટણીમાં મહેનત
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રથી માંડીને ઉત્તર પ્રદેશ સુધી ભાજપને જીતાડવા માટે સી. આર. પાટીલે ખૂબ મોટી પરંતુ પડદા પાછળની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં સી. આર. પાટીલે સફળતા મેળવ્યા બાદ તેમને કેન્દ્રીય મંત્રી બનાવવા માટેની પણ ચર્ચા ચાલી હતી. પરંતુ સી. આર. પાટીલને કેન્દ્રીય મંત્રીને બદલે ગુજરાત ભાજપની સત્તા એટલે કે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે.
હાઈ કમાન્ડનો નવા રાજકીય સમીકરણોનો નિર્દેશ
છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત ભાજપના પ્રમુખથી માંડીને ઉચ્ચ હોદ્દા પર સૌરાષ્ટ્રનું જ રાજ ચાલતું હતું, વર્ષો પહેલા દક્ષિણ ગુજરાતના કાશીરામ રાણાને ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તે પછી દક્ષિણ ગુજરાત ભાજપ માટે પછાત બની ગયું હતું. પરંતુ હવે, સી. આર. પાટીલને મૂકીને ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ નવા રાજકીય સમીકરણોનો નિર્દેશ આપી દીધો છે.
1989માં ભાજપના સભ્ય બની સક્રિય રાજનીતિમાં આવ્યા
સી.આર.પાટીલ 25 ડીસેમ્બર 1989ના રોજ ભાજપના સભ્ય બનીને સક્રિય રાજનીતિમાં જોડાયા હતા.ત્યાર પછી સુરત શહેર ભાજપના કોષાધ્યક્ષ બન્યા અને પછી શહેરના ઉપપ્રમુખ પણ બન્યા. આ દરમિયાન તેમની સાંગઠનિક શક્તિ, નેતૃત્વના સબળ ગુણ અને સક્ષમ આયોજન ક્ષમતાઓ જોવા મળી. ભાજપ સરકારે તેમને પ્રથમ GIDC(ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ) અને પછી GACL(ગુજરાત અલ્કાલિઝ એન્ડ કેમિકલ લિમિટેડ)ના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી. લોકસભા, વિધાનસભા, મ્યુનીસીપલ કોર્પોરેશન, પંચાયત તમામ ચૂંટણીમાં પક્ષને વધુ બેઠક અને લાંબી લીડથી જીતાડવા માટે વિવિધ સ્તરે વ્યૂહરચનાકાર તરીકેની ભૂમિકા પણ નિભાવી હતી.
સતત ત્રણ ટર્મથી સાંસદ
સી.આર.પાટીલે 2009માં નવસારી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી હતી. જેમાં તેમનો વિજય થયો હતો.ત્યાર બાદ 2014માં નવસારી લોકસભાની બેઠક પર ભાજપે ફરીથી સી.આર.પાટીલને ઉમેદવાર બનાવ્યા હતા.જેમાં તેમણે કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા. જેમાં સી.આર. પાટીલને કુલ 8,20,831 મત મળ્યા હતા.જ્યારે મકસુદ મિર્ઝાને ફક્ત 2,62,715 મત મળ્યા હતા.એટલું જ નહીં, સૌથી વધુ લીડથી જીત મેળવનાર સાંસદમાં સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યા હતા. બે ટર્મ સાંસદ રહ્યા બાદ 2019માં પણ તેઓ નવસારી બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્રીજીવાર સાંસદ બન્યા.
જીતુ વાઘાણીએ સી.આર.પાટીલને અભિનંદન પાઠવ્યા
ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સી.આર પાટીલજીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપનો જનાધાર હજુ વધુ મજબૂત થશે, ગુજરાતમાં ભાજપ નવી ઉંચાઈઓ સર કરશે. મને 45 વર્ષ જેટલી નાની ઉંમરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપી હતી તે બદલ હું શિર્ષસ્થ નેતૃત્વનો હંમેશા આભારી રહીશ.
કાર્યકરોએ સી.આર.પાટીલની નિમણૂંકને વધાવી
નવસારી સાંસદ સી.આર.પાટીલની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.સી.આર.પાટીલની નિમણૂંકને સુરતના કાર્યકરોએ વધાવી લીધી છે. સામાન્ય કાર્યકરથી સાંસદ અને ત્યાંથી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનનારા સી.આર.પાટીલને શુભકામનાઓ પાઠવવા કાર્યકરો તેમની ઓફિસ પહોંચી હતા.સાથે જ સી.આર.પાટીલની નિમણૂંકને વધાવતા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે.કાર્યકરોએ જણાવ્યું કે, સી.આર.પાટીલ સંગઠનમાં માહેર હોવાથી આગામી દિવસોમાં ભાજપને ખૂબ લાભ થશે. સાથે જ પાર્ટીમાં પણ નવો જોશ અને ઉત્સાહ વધશે.


