વડોદરા જિલ્લાની પાદરા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)ના સ્થાને ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે. દિનેશ પટેલને ટિકિટ ન અપાતા તેમને પાર્ટી વિરુદ્ધ બળવો કર્યો હતો અને અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી.ત્યારે દિનુ મામાને ભાજપ તરફથી રિઝવવા માટે ઉચ્ચ નેતાઓએ એડી ચોંટીનું જોર લગાવી દીધું હતું.પરંતુ, દિનુ મામા એકના બે ન થયા હતા.આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખે શક્તિ પ્રદર્શન સાથે હજારોની ભીડ ભેગી કરી ઘોડે સવાર થઈ પાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્યો સાથે રેલી કાઢી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. દિનેશ પટેલની સાથે તેમના પુત્ર દક્ષેશ પટેલે પણ અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું.
ભાજપ માટે મહત્વની એવી વડોદરા જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકીની 3 બેઠકો ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઇ હતી.વાઘોડિયા,કરજણ અને પાદરા વિધાનસભા બેઠક માટે ભાજપે ટિકિટવાંછુક ઉમેદવારોને ટિકિટ ના આપી અન્યને ટિકિટ આપતા ભાજપના જ પૂર્વ ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને અપક્ષ લડવાની જાહેરાત કરી હતી.જેમાં કરજણ બેઠકના પૂર્વ ધારાસભ્યને તો ભાજપ પક્ષના નેતાઓએ મનાવી લઈને અપક્ષ ચૂંટણી લડતા અટકાવી દીધા હતા.પરંતુ વાઘોડિયા અને પાદરા વિધાનસભા બેઠકના નારાજ ઉમેદવારોને રિઝવવામાં નિષ્ફળ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
જાણો પાદરા બેઠકની રસપ્રદ વિગત
પાદરા ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 146 નંબરની બેઠક છે.પાદરા તાલુકો ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો તાલુકો છે.જે છોટાઉદેપુર લોકસભા બેઠકમાં આવે છે.પાદરાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે,જે પૈકી મુખ્ય ખેતી કપાસની થાય છે.આ બેઠક પર 1995માં પહેલીવાર ભાજપનો વિજય થયો હતો.ભાજપના નલિન ભટ્ટનો વિજય થયો હતો. 2012માં ભાજપના દિનેશ પટેલનો આ બેઠક પર વિજય થયો હતો. 2017માં ભાજપે તેમને ટિકિટ આપી હતી.પરંતુ તેમનો કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોર સામે પરાજય થયો હતો.