– કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી માટે દાવેદારી નહીં કરેઃ શક્તિસિંહ ગોહિલ
– 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરાશે
અમદાવાદ : ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિનામાં રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.ત્યારે આ ત્રણ બેઠક માટે આ મહિનાની 24 તારીખે ચૂંટણી યોજાશે.હવે ભાજપના રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી એસ.જય શંકરે 12-39એ વિજયમૂહુર્તમાં ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારી પત્ર ભર્યું છે.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રીમંડળના સભ્યો તેમજ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.ભાજપમાંથી હજી બે નામો અંગે સસ્પેન્સ યથાવત છે.બીજી તરફ કોંગ્રેસ આ ચૂંટણીમાં દાવેદારી નહીં નોંધાવે તેવું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું હતું.ચર્ચા અનુસાર ભાજપ દ્વારા બે નામો જાહેર કરવામાં આવશે જેમાં ભાવનગર સંગઠનમાં કાર્યરત રઘુ ઉમ્બલનું નામ મોખરે છે જયારે વધુ એક નામ અંગે હજી પણ સપેન્સન યથાવત રહેવા પામ્યું છે.ભાવનગર ભાજપ સંગઠનમાં ઘણા વર્ષોથી કાર્યરત રઘુ ઉમ્બલનો ટ્રેક રેકોર્ડ ખુબ સારો છે અને તેમની કામગીરી જોતા લગભગ એમનું નામ ફાઇનલ જ મનાઈ રહ્યું છે.
13મી જુલાઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે.કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે.ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી યોજાશે.ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે.જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે.જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે.
કોંગ્રેસ પોતાની દાવેદારી નહીં કરે: શક્તિસિંહ ગોહિલ
રાજ્યસભામાં ગુજરાતની ખાલી થનારી ત્રણેય બેઠક માટે કોંગ્રેસે ઉમેદવારી કરવાનું માંડી વાળ્યું છે.વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ માત્ર 17નું હોવાથી પોતાના ઉમેદવારને ચૂંટાઇ આવવા જરૂરી 46 મત ન મળે તે સંજોગોને જોતાં કોંગ્રેસે આ બાબત જાહેર કરી છે. આથી હવે આ ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઇ જશે.પાર્ટીના પ્રવક્તા મનીષ દોષીએ આ અંગે સત્તાવાર માહિતી આપીને આ બાબત જાહેર કરી છે.