પોરબંદર : ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે.આવા સમયે સુરતથી પોરબંદર પરત આવેલા ભાજપના સાંસદ રમેશ ધડૂકને હોમ ક્વોરેન્ટાઇન કરવાની કોંગ્રેસે માંગ કરી છે.રમેશ ધડૂક પોરબંદરના સાંસદ છે.ગોંડલ શહેર કોંગ્રેસ દ્વારા ગોંડલ ડેપ્યુટી કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
રમેશ ધડુક થોડા દિવસ પહેલા સુરતથી પરત ગોંડલ આવ્યા હોવાથી ક્વોરેન્ટાઇન કરવાની કોંગ્રેસે માંગ કરી છે.ઉલ્લેખનીય છે કે ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા સુરતથી પરત ધોરાજી આવતા તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.લોકોના હિતને ધ્યાનમાં રાખી રમેશ ધડૂકને ક્વોરેન્ટાઇન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજાએ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને પત્ર લખી માંગ કરી છે કે હાલમાં વિશ્વભરમાં કોરોના મહામારી ચાલી રહી હોય જેના લીધે સરકાર દ્વારા કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે લૉકડાઉન નો આદેશ અને બહાર ગામથી આવતા અને બહાર ગામ જતા લોકોને ક્વૉરન્ટાઇન કરવાનો આદેશ થયેલ છે.જે અનુસંધાને પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક વારંવાર બહાર ગામ જતા હોય હાલમાં તેઓ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રેડઝોન વિસ્તારમાંથી (સુરત શહેર ) જઈને તેમના નિવાસ સ્થાને ગોંડલ પરત આવેલ છે.તેમણે પણ ગોંડલ શહેરના લોકોના હિત માટે અને સંક્રમણ ન ફેલાય તે માટે ક્વૉરન્ટાઇન કરવા ગોંડલ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોના હિત માટે માંગણી કરવામાં આવે છે.
લોક સેવક તેમજ ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા પણ પોતાના વિસ્તારના લોકોને પરત લાવવા ગયા હતા.ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રેડઝોન વિસ્તારમાંથી ( સુરત શહેર ) જઈને તેમના નિવાસ સ્થાને ધોરાજી પરત આવેલ હોવાથી તેમને લોકોના હિત માટે ક્વૉરન્ટાઇન કરવામાં આવેલ છે.આ ધ્યાને લઈને પોરબંદર સાંસદને પણ લોકોના હિત માટે ક્વૉરન્ટાઇન કરવા માંગણી કરવામાં આવી છે.


