નવી દિલ્હી :ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ જાહેર કરી છે.ધોનીએ આગળ શું કરશે તે અંગે તેણે ખુલાસો કર્યો નથી, પરંતુ એક ખાસ ઓફર તેમની પાસે ચોક્કસ આવી છે.ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદે ધોનીને 2024 ની લોકસભાની ચૂંટણી લડવાની સલાહ આપી છે. ધોનીએ હજી સુધી કોઈ રાજકીય પક્ષને ટેકો આપ્યો નથી,પરંતુ ઝારખંડમાં પોતાનું કદ જોતાં રાજકારણમાં તેની ઇનિંગ્સ પણ લાંબી થઈ શકે છે.ભાજપના સાંસદો ધોનીને ચૂંટણી લડવા આમંત્રણ આપી રહ્યા છે.
ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ધોનીની નિવૃત્તિના બીજા દિવસે આ સૂચન કર્યું છે.સ્વામીએ ટ્વિટ કર્યું, “એમએસ ધોની ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે.વિષમતાથી લડવાની જે પ્રતિભા તેમણે ક્રિકેટમાં બતાવી છે તેની હવે જાહેર જીવનમાં જરૂર છે.તેમને 2024 માં લોકસભાની ચૂંટણી લડવી જોઈએ. સ્વામીએ એમ તો ન કહ્યું કે ધોનીએ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવી જોઈએ પરંતુ તેમનો ઈશારો સ્પષ્ટ હતો.
ભાજપે બે વર્ષ પહેલા મહેન્દ્રસિંહ ધોનીનો સંપર્ક કર્યો હતો.ત્કાલિન ભાજપ અધ્યક્ષ અને હવે ગૃહ મંત્રી અમિત શાહે ‘સંપર્ક થી સમર્થન’ અભિયાનના ભાગ રૂપે ધોનીને મળ્યા હતા.ધોનીની નિવૃત્તિ અંગે શાહે ટ્વિટ કર્યું હતું કે, “હું આશા રાખું છું કે તે આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટને મજબૂત બનાવતા રહેશે.તેની ભાવિ યોજનાઓ માટે તેમને શુભેચ્છા. વર્લ્ડ ક્રિકેટ હેલિકોપ્ટર શોટ ને મિસ કરશે, માહી!”
ભારતીય ક્રિકેટના ઇતિહાસને અનેક યાદો આપનારા ધોનીએ શનિવારે સાંજે નિવૃત્તિની ઘોષણા કરી હતી. તેણે તેમના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “તમારા પ્રેમ અને સહયોગ માટે આભાર. અત્યારે સાંજે 7.29 વાગ્યેથી મને નિવૃત્ત ગણજો.” તેઓ 19 સપ્ટેમ્બરથી યુએઈમાં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમશે. 39 વર્ષીય ધોનીએ ગત વર્ષે જુલાઈમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે વર્લ્ડ કપ સેમિફાઇનલ રમી હતી.તે તંગ મેચમાં ધોની 50 રન બનાવી આઉટ થયા હતા.સંયોગથી વનડે કેરિયરના પહેલા મેચમાં પણ તેઓ રન આઉટ થયા હતા.

