– પહેલા આખા ઉત્તર પ્રદેશમાં ભ્રષ્ટાચારનું અત્તર ફેલાયું હતું, હવે તેમના મોં પર તાળુ વાગી ગયું : મોદી
– અત્તરના વેપારી પીયૂષ જૈન મુદ્દે ભાજપ-સપા સામ-સામે
ઉન્નાવ, તા. 28 : કાનપુરના અત્તરના વેપારી પીયૂષ જૈનના ઘરેથી ૨૦૦ કરોડથી વધુની રોકડ, તેમજ કરોડો રૂપિયાના સોના-ચાંદી જપ્ત કરવામાં આવ્યા છે.પરંતુ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ આટલી રોકડ જપ્ત થયા પછી તે રાજકીય પક્ષોના કેન્દ્રમાં આવી ગયો છે. ભાજપ અને સમાજવાદી પક્ષે પીયૂષ જૈનને એકબીજાનો ‘સાથી’ ગણાવ્યો છે.
સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે કાનપુરના અત્તરના વેપારી પીયૂષ જૈનને તેમના પક્ષ સાથે કોઈ સંબંધ હોવાનો ઈનકાર કર્યો હતો અને મજાકમાં કહ્યું કે ભાજપે ‘ડિજિટલ ભૂલથી’ પોતાના જ વેપારીના ઘરે દરોડા પાડયા હતા. અખિલેશે દાવો કર્યો કે પીયૂષ જૈનના કોલ ડિટેલ રેકોર્ડથી તેના સંપર્કમાં રહેનારા ભાજપના અનેક નેતાઓના નામ સામે આવશે. સપાનું અત્તર સપાના એમએલસી પુષ્પરાજ જૈને લોન્ચ કર્યું હતું, પીયૂષ જૈને નહીં.બીજીબાજુ અખિલેશ યાદવને જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નિરાલા નગરની જનસભામાં જણાવ્યું કે તાજેતરમાં બોક્સ ભરી ભરીને રોકડ નોટો મળી છે, તેમ છતાં આ લોકો એમ જ કહેશે કે આ મોદીએ કર્યું છે.તેમના શાસનમાં ભ્રષ્ટાચારનું અત્તર આખા ઉત્તર પ્રદેશમાં ફેલાયેલું હતું, તે હવે બધાની સામે આવી ગયું છે.આથી તેમના મોં પર તાળુ વાગી ગયું છે, નોટોનો પહાડ જ તેમની સિદ્ધિ અને હકીકત છે.ઉત્તર પ્રદેશના લોકો હવે બધું સમજી ગયા છે.ઉત્તર પ્રદેશની જનતા વિકાસની સાથે છે.


