નવી દિલ્હી,તા.12.માર્ચ.2022 : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીની પાર્ટી ટીએમસી વચ્ચેના સબંધોમાં વધારે તનાવ આવી ગયો છે.
જેના પગલે 2024માં ભાજપ સામે તમામ વિપક્ષો ભેગા મળીને લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓેને પણ ફટકો પડી રહ્યો છે.
પશ્ચિમ બંગાળના કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ હવે મમતા બેનરજી પર પ્રહારો કરતા કહ્યુ છે કે,જો કોંગ્રેસ ના હોત તો મમતા બેનરજી જેવા લોકો પેદા પણ ના થઈ શક્યા હોત અને મમતા બેનરજીએ આ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ.
ચૌધરીએ કહ્યુ હતુ કે,મમતા બેનરજી ભાજપને ખુશ કરવા માટે ગોવા ગયા હતા અને તેના કારણે કોંગ્રેસનો પરજાય થયો છે.બધા જાણે છે કે,ગોવામાં કોંગ્રેસને મમતા બેનરજીએ નબળી પાડી છે.
તેમણે કહ્યુ હતુ કે,પાગલ લોકોના નિવેદન પર જવાબ આપવો યોગ્ય નથી.કોંગ્રેસના દેશમાં હજી પણ 700 ધારાસભ્યો છે.વિપક્ષના વોટ શેરમાં કોંગ્રેસની ભાગીદારી 20 ટકાની છે.મમતા બેનરજીનો વોટ શેર કેટલો છે….. તે ભાજપને ખુશ કરવા માટે ગમે તે વાત કરી રહ્યા છે.મમતા બેનરજી ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે.
બીજી તરફ મમતા બેનરજીએ કહ્યુ છે કે,જે રાજકીય પક્ષો ભાજપનો મુકાબલો કરવા માંગે છે તે એક થઈ જાય.કારણકે કોંગ્રેસ વિશ્વાસ ગુમાવી ચુકી છે.આપણે કોંગ્રેસ પર નિર્ભર રહી શકીએ તેમ નથી.