અમદાવાદ : મહિલા સશક્તિકરણ અને મહિલા અસ્મિતાની વાતો કરતાં શાસક ભાજપના એક ધારાસભ્યે તેમના કાર્યકરો સાથે એક મહિલાને જાહેરમા લાતો-લાફા માર્યા હતા તેમને જ ભાજપમાં આવકારીને વોર્ડના મહામંત્રીનો હોદ્દો આપી કલંક મિટાવવાનો પ્રયાસ કર્યો છે.વિધાનસભા ચૂંટણી પહેલાં પાર્ટીમાં ભરતીમેળો ચાલી રહ્યો છે,જેને પાર્ટીમાં આવવુ હોય તેને વાજતેગાજતે આવકારવામાં આવી રહ્યાં છે.વર્તમાન ભરતી મેળામાં ધારાસભ્ય અને તેમના કાર્યકરોના હાથે માર ખાનારા મહિલાને પણ સન્માનભેર પક્ષપ્રવેશ કરાવવાની સાથે કીડીને કણ અને હાથીને મણ કહેવત અનુસાર વોર્ડ મહામંત્રી બનાવી દેવાયાં છે.
નરોડા વિધાનસભા ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર,આજથી ત્રણેક વર્ષ અગાઉ ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની ઓફિસ બહાર જ નીતુબેન તેજવાણી નામની મહિલાને કાર્યકરો અને ગુસ્સે ભરાયેલાં ધારાસભ્યે લાતો અને લાફા માર્યા હતા.આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ મહિલા અસ્મિતાના બણગાં ફૂંકતા ભાજપ નેતાઓને નીચાજોણુ થયુ હતુ,તેમ છતાં કોઇ કારણસર ધારાસભ્ય સામે આકરા પગલા લેવાયા નહોતા અને ઉપરથી આ સમગ્ર પ્રકરણને છાવરવા માટે તાકીદ થઇ હતી. જોકે તે સમયે ધારાસભ્યે એવો બચાવ કર્યો હતો કે,મારા ઉપર હુમલો થયો હતો તેમજ મહિલા સામે અન્ય આક્ષેપ કર્યા હતા.
પરંતુ સમગ્ર પ્રકરણને લઇ ઉપરથી વ્યક્ત થયેલી નારાજગીને પગલે ધારાસભ્ય બલરામ થાવાણી ઉંચાનીચા થઇ ગયા હતા અને સમાજના અન્ય આગેવાનોને વચ્ચે રાખીને બીજા જ દિવસે મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને માફી માંગીને તેના હાથે રાખડી બંધાવી ધર્મની બહેન જાહેર કરી દીધી હતી.ધારાસભ્યની ગુંલાટથી નરોડાના કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયુ હતું.તે સમયે રાજય મહિલા આયોગે પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો હતો,પરંતુ પછી સમગ્ર મામલો કઇ અભરાઇએ ચઢી ગયો તે જાણવા મળ્યુ નથી.દરમિયાનમાં ભાજપમાં ચાલી રહેલાં ભરતીમેળામાં ધારાસભ્યની લાતો ખાનાર મહિલાને પણ સન્માનપૂર્વક આવકારવામાં આવી અને ભાજપનુ સભ્યપદ આપવામાં આવ્યુ હતું.