સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં એક બાબત ઉડીને આંખે વળગે તેવી એ છે કે ભાજપનો વિકલ્પ કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી બની રહી છે.એટલે કે ગુજરાતમાં ધીમે ધીમે ત્રીજી શક્તિનો સૂર્યોદય થઇ રહ્યો છે.ભાજપના ટિકીટ વંચિત ઉમેદવારો અને તેમના સમર્થકો કોંગ્રેસને નહીં આમ આદમી પાર્ટીને મહત્વ આપી રહ્યાં છે.
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયની પાર્ટીને મતદારોએ ક્યારેય સમર્થન આપ્યું નથી પરંતુ હવે એવો સમય આવ્યો છે કે ભાજપ અને કોંગ્રેસથી વિમુખ થયેલા મતદારોને આમ આદમી પાર્ટીનો સહારો મળી રહ્યો છે.દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીશ સિસોદિયા જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમને અમદાવાદ જેવા શહેરમાં પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો.આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લડી રહી છે.આ પાર્ટીએ દિલ્હી,હરિયાણા અને પંજાબ પછી ગુજરાત તરફ નજર દોડાવી છે.આ પાર્ટી લોકોનું સમર્થન એટલા માટે મેળવી રહી છે કે તેમાં જ્ઞાતિવાદને પ્રોત્સાહન મળતું નથી.ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ભલે અગાઉ ચૂંટણી લડ્યા ન હોય પરંતુ તેમની પ્રતિભા અને ચૂંટણી લડવાનો જુસ્સો અડગ છે.
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત જો કોઇ પાર્ટીનું વર્ચસ્વ હોય તો તે એનસીપીનું છે.વિધાનસભામાં પણ એનસીપીના ઉમેદવારો ચૂંટાઇ આવતા હોય છે,જો કે એનસીપીએ કોંગ્રેસમાંથી છૂટું પડેલું અંગ છે પરંતુ આમ આદમી પાર્ટી તદ્દન નવી છે અને તેમાં આમ આદમી જોડાઇ શકે છે. દિલ્હીમાં જ્યારે પહેલીવાર આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ઝૂકાવ્યું ત્યારે ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટો નહીં પણ નવા ચહેરા લોકોની સામે આવ્યા હતા.ગુજરાતમાં પણ એવું જ થઇ રહ્યું છે.
રાજ્યની છ મહાનગરપાલિકા,પાલિકા તેમજ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે જેમને ટિકીટ આપી નથી તેવા ટિકીટ વંચિત ઉમેદવારો તેમજ તેમના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યાં છે અને આ પાર્ટીના ઉમેદવારને સપોર્ટ કરી રહ્યાં છે.અમદાવાદ અને સુરત શહેરમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાની ગતિ તીવ્ર બની ચૂકી છે.ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટોને નવો વિકલ્પ આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં મળી ચૂક્યો છે.


