– ૩૫ પ્લસને યુવા ભાજપમાંથી આઉટ કરવાનો પ્રદેશ પ્રમુખના પરિપત્રથી ભૂકંપ
અન્ય નિયુક્તિમા પણ હવે ઉંમરને ધ્યાને લેવાશે
રાજકોટ : રાજકોટ શહેર યુવા ભાજપ સંગઠન માળખાની તાજેતરમા જાહેરાત કરવામા આવી છે અને યુવા મોરચો કોઈ પણ કામગીરી કરે તે પહેલા જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ૩૫ વર્ષથી મોટી ઉંમરનાને યુવા ભાજપની જવાબદારીમાંથી મૂકત કરવા માટે પરિપત્ર કરતા રાજકોટ શહેર યુવા ભાજમા ભૂકંપ આવ્યો છે અને પ્રમુખ તેમજ મહામંત્રી બંનેએ રાજીનામા ધરી દેવા પડયા છે.
શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે પૃથ્વીસિંહ જાડેજા અને મહામંત્રી તરીકે હિરેન રાવલની નિયુક્તિ થોડા સમય પહેલા કરવામા આવી હતી અને તેમણે પોતાની ટીમ બનાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પ્રદેશ પ્રમુખે ૩૫ વર્ષથી ઉપરનાને સંગઠનમાંથી બાદ કરવાનો આદેશ કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા યુવા સંગઠનને આ અંગે જાણ કરવામા આવી હતી અને ૩૫ વર્ષથી ઉપરના જે કોઈ આગેવાન હતા તેના રાજીનામા લઈ લેવાયા હતા.રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, પ્રદેશ નેતાગીરીએ કરેલા નિર્ણય પ્રમાણે યુવા ભાજપ પ્રમુખ અને મહામંત્રી બંનેની વય ૩૫થી ઉપર થતી હોવાથી રાજીનામા લઈ લેવાયા છે.
બંનેએ પ્રદેશનો નિર્ણય માથે ચડાવીને રાજીનામા આપી દીધા છે.પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ કોરાટ પણ સ્હેજમા બચ્યાં- ૩૫ વર્ષ પ્લસ વય ધરાવનારાઓને યુવા સંગઠનમા હોદ્દાઓ નહિ આપવાના પ્રદેશના નિર્ણયને પગલે કેટલાક પ્રદેશ આગેવાનો માટે પણ સમસ્યા સામે આવી છે.પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટને પણ માત્ર મહિનાને કારણે હાલ રાહત મળી છે જો કે તેમની ટીમના અન્ય ત્રણેક આગેવાનોના રાજીનામા લેવાયા છે.


