ભાજપમાં મંત્રીથી લઈને સાંસદો,ધારાસભ્યો જેવા પહેલી હરોળના જનપ્રતિનિધીઓ પણ પોતાના ક્ષેત્રમાં જાણે ગરાસ લૂંટાઈ જતો હોય તેમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પરિવાર માટે ટિકીટની માંગણી કરી રહ્યા છે.કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના બહેને વિછિંયા તાલુકા પંચાયતમાં એક બેઠક માટેની દાવેદારી કર્યા બાદ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના પત્નીએ પણ જામનગર મ્યુ. કોર્પોરેશનના એક વોર્ડમાં ટિકિટ માંગ્યાનું બહાર આવ્યુ છે.
ઉપરોક્ત બંને મંત્રીઓ કોંગ્રેસ છોડીને ભાજપ ભેગા થઈને સીધા જ મંત્રીપદે પહોંચેલા છે.છતાંયે તેમના પરીવારમાંથી ટિકીટની માંગણીઓ થતા આખી જીંદગી ભાજપ માટે ધસી નાંખનારા ટિકીટવાંચ્છુઓના દાવેદારી ટાળી રહ્યાની લાગણી પ્રવર્તી છે.મંત્રી જાડેજાના પત્ની અગાઉ જામનગરમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે.
જો કે, તે વખતે તેઓ કોંગ્રેસમાં હતા ! વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટે પણ પોતાના બહેન માટે પણ મ્યુ. કોર્પોરેશન માટે ભલામણ કર્યાનું બહાર આવ્યુ છે.વડોદરા ભાજપમાં તો પરિવારવાદે જાણી માઝા મુકી હોય તેમ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના ચેરમેન મધુ શ્રીવાસ્તવે તો પત્ની, પુત્ર અને પુત્રી એમ ત્રણેય માટે ટિકીટની માગંણી કરી છે.સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પણ પોતાના પુત્ર માટે ભાજપમાંથી ટિકીટ માંગી છે.
સામાન્ય રીતે મેયર, પાલિકા કે પંચાયતના પ્રમુખો વધુ એક તક માટે ટિકિટ માગતા હોય છે પરંતુ ભાજપમાં તો સરકારમાં મંત્રી,સાંસદ,ધારાસભ્યો સહિતના અનેક હોદ્દેદારો પોતાના પરીવારને આગળ ધરી રાજકિય વારસઈનો દાવો કરી રહ્યા છે.