– અમિત અરોડા કહી રહ્યો છે કે, શરાબ કૌભાંડથી મળેલા પૈસાનો ગોવા અને પંજાબની ચૂંટણીઓમાં ઉપયોગ કરાયો
નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર : દિલ્હીના કથિત શરાબ કૌભાંડ મામલે ભાજપે વધુ એક સ્ટિંગ વીડિયો જાહેર કર્યો છે.ભાજપ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે વીડિયોમાં દેખાઈ રહેલી વ્યક્તિ લિકર કૌભાંડમાં આરોપી નંબર-9 અમિત અરોડા છે. ભાજપે આ વીડિયો દ્વારા કેજરીવાલની પોલ ખુલી ગઈ હોવાનો દાવો કર્યો છે.
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ સ્ટિંગ ઓપરેશનનો વીડિયો દેખાડીને કહ્યું હતું કે, ‘આમ આદમી પાર્ટીના કૌભાંડનું જે સ્ટિંગ સામે આવ્યું છે તેમાં કૌભાંડના આરોપી નંબર-9 અમિત અરોડાએ સંપૂર્ણ પોલ ખોલી દીધી છે.કોના કોના પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવ્યા. કઈ રીતે કૌભાંડ થયું, તમામ બાબતો ઉજાગર થઈ ચુકી છે.આખી પોલિસી કૌભાંડ કરવા માટે જ તૈયાર કરવામાં આવી હતી.અમિત અરોડા કહી રહ્યા છે કે સરકારે કમિશન નક્કી કરેલું.એટલું જ નહીં, શરાબ કૌભાંડથી મળેલા પૈસાનો ગોવા અને પંજાબની ચૂંટણીઓમાં ઉપયોગ કરાયો.’
केजरीवाल सरकार के शराब घोटाले के बारे में CBI के आरोपी नंबर 9 अमित अरोड़ा का सनसनीखेज खुलासा। केजरीवाल जी, AAP के भ्रष्टाचार की पोल खुल चुकी है। pic.twitter.com/SxnZiDmz60
— BJP Delhi (@BJP4Delhi) September 15, 2022
સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું કે, ‘અરોડા કહી રહ્યો છે કે, 5-5 કરોડ રૂપિયા સુધીની લઘુત્તમ ફી નક્કી કરવામાં આવી હતી. 5 કરોડ એટલા માટે નક્કી કરવામાં આવેલા જેથી કોઈ નાનો પ્લેયર એમાં ઉતરી ન શકે. જ્યારે પોલિસી એવા આધાર પર બનાવાઈ હતી કે, નાના-નાના વેપારીઓને પણ કામ કરવાની તક મળે. આ પોલિસી અન્ય રાજ્યોમાં એવી રીતે લાવવામાં આવે છે કે, નાના વેપારીઓને પણ તક મળે અને પ્રતિસ્પર્ધાનું વાતાવરણ બને.’
ઉલ્લેખનીય છે કે, અગાઉ 5 સપ્ટેમ્બરના રોજ પણ ભાજપે એક સ્ટિંગ વીડિયો શેર કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સીબીઆઈ દ્વારા જેને 13 નંબરનો આરોપી બનાવવામાં આવ્યો છે તે મારવાહના પિતા કુલવિંદર મારવાહે ગુપ્ત કેમેરામાં આપ સરકાર તરફથી કમિશન લેવામાં આવ્યું હોવાનું સ્વીકારેલું.
જોકે મનીષ સિસોદિયાએ તે સ્ટિંગને મજાક ગણાવ્યું હતું.
સીબીઆઈ દ્વારા દિલ્હી સરકારની લિકર પોલિસી મામલે તપાસ કરવામાં આવી રહી છે અને મનીષ સિસોદિયાનું નામ તેમાં મુખ્ય આરોપી તરીકે છે.સીબીઆઈએ થોડા સમય પહેલા સિસોદિયાના ઘર અને બેંક લોકરની પણ તલાશી લીધી હતી.