- બજેટમાં ખેડૂતો,યુવાનો,મધ્યમવર્ગ માટે કંઈ જ નથી : કોંગ્રેસ
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે રજૂ કરેલા વર્ષ 2022-23ના બજેટને લઈને ભજાપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે.ભાજપના નેતાઓએ એકતરફ બજેટની પ્રશંસા કરી છે જ્યારે કોંગ્રેસના નેતાઓએ બજેટમાં કંઈ જ નહીં હોવાનું કહીને તેની ટિકા કરી છે.ભાજપના નેતાઓએ કેન્દ્રીય બજેટને દિર્ઘદ્રષ્ટિ સાથેનું તેમજ કેન્દ્રની આત્મનિર્ભર ભારતની રૂપરેખા દર્શાવતું હોવાનું ગણાવ્યું હતું. આ બજેટ વૃદ્ધિલક્ષી હોવાની સાથે જ નવા ભારતની ઉર્જા પર ભાર આપનારું છે.કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે બજેટને ગ્રોથ ઓરિએન્ટેડ ગણાવ્યું હતું.બજેટ કેન્દ્રના આત્મનિર્ભર ભારતની રૂપરેખાને દર્શાવે છે.બજેટમાં મૂડીખર્ચ વધારવા પર ભાર અપાયો છે.દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ બજેટની પ્રશંસા કરી હતી અને માળખાકીય વિકાસને વેગ મળવાની આશા વ્યક્ત કરી હતી.આ બજેટ દેશમાં આધુનિક માળખાને પ્રોત્સાહન પુરું પાડનારું છે.
બીજાતરફ કોંગ્રેસે બજેટમાં કંઈ જ નહીં હોવાનું જણાવીને ટિકા કરી હતી.કોંગ્રેસના મતે બજેટમાં ખેડૂતો,યુવા અને ગરીબો માટે કોઈ જ જોગવાઈ નથી કરવામાં આવી.કોંગ્રેસે મધ્યમવર્ગ અને પગારદારવર્ગ સાથે કેન્દ્ર સરકારે દગો કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આને લોલીપોપ બજેટ ગણાવ્યું હતું.બજેટને પગલે કેન્દ્રનો ખેડૂત વિરોધી અને ગરીબ વિરોધી ચહેરો ઉઘાડો પડ્યો છે.
દેશના મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગને બજેટમાં કોઈ રાહત નથી આપવામાં આવી.મોંઘવારીથી ત્રસ્ત પ્રજા હાલમાં પગાર ઘટાડાથી પણ પ્રભાવિત છે તેમ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું.