– ધારાસભ્યની મતદારોમાં ઇમેજ જાણવા છૂપા પ્રયાસો
અમદાવાદ : આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે અત્યારથી જ તૈયારીઓ આદરી છે.એટલુ જ નહીં,વર્તમાન ધારાસભ્યોની મતદારોમાં કેવી પ્રતિષ્ઠા છે,મત વિસ્તારમાં કેવી કામગીરી છે.આ તમામ જાણકારી મેળવવા ભાજપે ગુપ્તચરોને કામે લગાડયા છે.ભાજપે આ વખતે કેટલાંય ધારાસભ્યોના પત્તા કાપવાના મૂડમાં છે.જો વર્તમાન ધારાસભ્યોની ટિકીટ કાપવામાં આવે તો કયા મજબૂત દાવેદારને ચૂંટણી મેદાને ઉતારી શકાય તે માટે પણ અંદરખાને માહિતી એકત્ર કરવાનુ શરૂ કરાયુ છે.
વિધાનસભાની ચૂંટણી પહેલાં જ વર્તમાન ધારાસભ્યોની રાજકીય સિૃથતીનો અંદાજ મેળવાઇ રહ્યો છે.મત વિસ્તારમાં તેમનો કેવો રાજકીય પ્રભાવ છે, ધારાસભ્યની કામગીરીથી મતદારો ખુશ કે નહીં, મત વિસ્તારમાં વિકાસલક્ષી કામો ઉપરાંત કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાનો લોકોને કેટલો લાભ અપાવ્યો છે.આ તમામ માહિતી ગુપ્તચરોના માધ્યમથી મેળવાઇ રહી છે.આ વખતે ભાજપ નેતાગીરી વર્તમાન ધારાસભ્યો પૈકી કેટલાંયને ટિકીટ આપવાના મતમાં નથી.
આ જોતાં ભાજપે દરેક બેઠક દીઠ દાવેદારોની યાદી બનાવવાનું ય શરૂ કર્યુ છે.સક્ષમ દાવેદારોની શેક્ષણિક લાયકાત,રાજકીય-સામાજીક પ્રતિષ્ઠા સહિત અન્ય માહિતી ભેગી કરવામાં આવી રહી છે.પ્રત્યેક બેઠક પર પાંચ-છ દાવેદારોની યાદી બનાવવા નક્કી કરાયુ છે.આ ઉપરાંત કઇ બેઠક પર બે-ત્રણ હજારના માર્જીનથી ભાજપના ધારાસભ્યો હાર્યા છે તેનુ રાજકીય વિષ્લેષ્ણ કરવામાં આવી રહ્યુ છે.
આ તફાવતના મતો કેવી રીતે મેળવીને બેઠક કોંગ્રેસના હાથમાં સેરવી લેવી તેની પણ ગણતરી માંડવામાં આવી છે.કયા સમાજનો સહારો મેળવી કઇ બેઠક પર જીત મેળવી શકાય તે સામાજીક અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે.ટૂંકમાં, ભાજપે ગુજરાતની વર્તમાન ધારાસભ્યોનો રાજકીય કયાસ કાઢવા છૂપા પ્રયાસો હાથ ધર્યા છે.
સિનિયર ધારાસભ્યો પર લટકતી તલવાર
આ વખતે પક્ષવિરોધી નિવેદનબાજી કરનારાં ધારાસભ્યો ભાજપ નેતાગીરીના હિટલિસ્ટમાં છે જેમ કે, કેતન ઇનામદાર,મધુ શ્રીવાસ્તવ સહિત અન્ય ધારાસભ્યોને ઘરનો રસ્તો દેખાડાય તો નવાઇ નહી.આ ઉપરાંત કેટલાંય સિનિયર ધારાસભ્યો પર અત્યારથી રાજકીય દબાણ કરવામાં આવી રહ્યુ છે.ઉંમર સહિત અન્ય મુદ્દાઓને આગળ ધરીને સામે ચાલીને કેટલાંક સિનિયરો સામે ચાલીને ચૂંટણી રેસમાંથી બાકાત થઇ જશે.સાથે સાથે કેટલીક બેઠકો પર ભાજપ પ્રદેશ નેતાગીરી નો રિપીટ િથયરી લાગુ કરી શકે છે જેના ભાગરૂપે બે-ત્રણ ટર્મથી સતત ચૂંટાતા ધારાસભ્યોને બદલે નવા ચહેરા ઉપરાંત યુવા ઉમેદવારને તક આપવામાં આવશે.
કોંગ્રેસ સમર્પિત બેઠકો પર સક્ષમ ઉમેદવાર શોધવા કવાયત
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આ વખતે 150 થી વધુ બેઠકો હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.આ જોતાં ભાજપે કોંગ્રેસની 60થી વધુ બેઠકો પર બાજ નજર રાખી છે.કોંગ્રેસ સમર્પિત બેઠકોમા ંગાબડા પાડવા ભાજપની ગણતરી છે.ભાજપે અત્યારથી જ કોંગ્રેસના ગઢ સમાન બેઠકો પર ચૂંટણી લડાવવા સક્ષમ ઉમેદવારને શોધખોળ આદરી છે.
કોંગ્રેસની સામે કોંગ્રેસના જ અસંતુષ્ટોનો સહારો લઇને ભાજપ વિધાનસભાની ચૂંટણી જીતવાનો માર્ગ મોકળો કરવા વિચારી રહ્યુ છે.આ તરફ, કોંગ્રેસનો ય દાવો છે કે, ગુજરાતમાં કેટલીય બેઠકો એવી છે કે મોદી લહેર વચ્ચે ય આ બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ છે.