અમદાવાદ : તા.23 જુન 2022,ગુરૂવાર : ઠક્કરબાપાનગરમાં રહેતા ભાજપ કાર્યકર સાથે ગજબ રમત રમાયાની ચર્ચા શરૂ થઈ છે.જે મુજબ વડોદરા ગ્રામ્યના વરનામા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૂના વેપલાની જાણ કંટ્રોલ રૂમને કાર્યકરે કરી તેના અડધો કલાકમાં બુટલેગરોએ ફોન કરી કાર્યકરને ધમકી આપી હતી.બુટલેગરે બીભસ્ત અપશબ્દો બોલી જાનથી મારવાની ધમકીઓ આપી હતી.બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે બુધવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઠક્કરબાપાનગરમાં વિક્રમાદિત્ય સોસાયટીમાં રહેતા અને ભાજપના સક્રિય કાર્યકર રાજેન્દ્રસિંહ નટવરસિંહ રાજપુતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ ફરિયાદ કરી છે.ભ્રષ્ટાચાર દૂર કરવા સક્રિય રહેતા ફરિયાદીને ગત તા 17મી જૂનના રોજ બાતમી મળી કે વડોદરા રૂરલમાં રતનપુર અને અણખીમાં ઈંગ્લિશ દારૂના વેચાણની ગેરકાયદે પ્રવુતી ચાલે છે.જેના પગલે કાર્યકરે વડોદરા ગ્રામ્ય કંટ્રોલરૂમમાં ફોન કરી આ બાબતે જાણ કરી હતી.વરનામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવુતીની જાણ પોલીસને કર્યાના અડધો કલાકમાં અલગ અલગ નંબરોથી ફરિયાદીને ધમકીભર્યા ફોન ચાલુ થયા હતા.
બુટલેગરોએ ધમકી આપી કે તું અમારું કશું બગાડી નહી લે તારા જેવા કેટલાય કાર્યકરો આવી ગયા છે.અમે વર્ષોથી દારૂનો ધંધો કરીએ છીએ.તારે જીવતા રહેવું હોય તો અમારી વચ્ચે ના પડીશ.બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.


