ચીન સાથે સરહદે ભારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને એકબીજા પર આરોપો લગાવવામાં વ્યસ્ત છે.અગાઉ ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીનના એમ્બેસેડર દ્વારા મળેલું ડોનેશન સ્વીકારી લીધું હતું.જ્યારે હવે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર પીએમ કેર ફંડમાં ચીની કંપનીઓ દ્વારા મળી રહેલું ડોનેશન સ્વીકારી રહી છે.
કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના પ્રમુખ શી જિનપિંગને 18 વખત મળ્યા છે.ચીન દ્વારા અનેક વખત ઘુસણખોરી કરવામાં આવી છતા નરેન્દ્ર મોદી ચીન મુદ્દે મોન કેમ છે? હું નરેન્દ્ર મોદીને અપીલ કરૂ છું કે તેઓ સ્પષ્ટ શબ્દોમાં ચીનની ટીકા કરે.ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસની સરકારમાં રાજીવ ગાંધી ઓર્ગેનાઇઝેશને ચીન પાસેથી ડોનેશન સ્વીકાર્યું હતું.
સિંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા હાલ ખતરામાં છે કેમ કે એક તરફ ચીન ભારતમાં ઘુસીને હુમલા કરી રહ્યું છે જેમાં આપણા 20 જવાન શહીદ પણ થયા જ્યારે બીજી તરફ એ જ ચીનની ભારતમાં આવેલી કંપનીઓ પાસેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પીએમ કેર ફંડના નામે કરોડો રૂપિયાનું ડોનેશન લઇ રહ્યા છે. સિંઘવીએ સવાલ કર્યો હતો કે જો નરેન્દ્ર મોદી ચીની કંપનીઓ પાસેથી આ જ રીતે ડોનેશન સ્વીકારી રહ્યા હોય તો ચીનને આક્રામક જવાબ કઇ રીતે આપી શકશે?
વર્તમાન સરકારની નીતિઓ પરથી લાગી રહ્યું છે કે મોદી સરકાર માટે દેશની સુરક્ષાનું કોઇ જ મહત્વ નથી અને તેથી જ ચીનને લઇને મોદી એક પણ શબ્દ નથી બોલ્યા. ચીનનું નામ લીધા વગર મોદીએ એક વખત સરહદની સિૃથતિ અંગે વાત કરી હતી. જેને પગલે હવે કોંગ્રેસ સવાલો ઉઠાવી રહી છે કે મોદીને ચીનનું નામ લેવામાં શું તકલીફ પડી રહી છે?


