ભાજપની વિચારધારા બદલાઈ છે : શિવસેના વડાના પ્રહારો
મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ભાજપે હિન્દુત્વ અંગેના પેટન્ટ લીધેલા નથી.શિવસેનાના સ્વર્ગસ્થ સુપ્રીમો બાલ ઠાકરેએ ભાજપને બતાવ્યું હતું કે ભગવા અને હિન્દુત્વના મિશ્રણથી કેન્દ્રમાં સત્તા હાંસલ કરવામાં મદદ મળી શકે છે.ઠાકરેએ જણાવ્યું હતું કે શિવસેના હંમેશા ભગવા અને હિન્દુત્વ પ્રત્યે કટિબદ્ધ રહી છે,જ્યારે ભારતીય જનસંઘ અને જનસંઘ જેવા જુદા જુદા નામ ધરાવતો ભાજપ અલગ-અલગ વિચારસરણીનું પાલન કરે છે.
રાજ્યમાં કોલ્હાપુર નોર્થ બેઠકની 12 એપ્રિલે પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી જાદવ માટે વર્ચ્યુઅલ પ્રચાર કરતાં ઠાકરેએ 2019ની ચૂંટણીમાં આ બેઠક પર શિવસેનાના ઉમેદવારના પરાજય માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો હતો.તેમણે આક્ષેપ કર્યો હતો કે 2019ની ચૂંટણીમાં આ બેઠક માટે ભાજપે કોંગ્રેસ સાથે છૂપી સમજૂતી કરી હતી.ભાજપ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે ભાજપે હિન્દુત્વના કોઇ પેટર્ન લીધા નથી.જો ભગવાન રામનો જન્મ ન થયો હોય તો ભાજપ રાજકારણમાં કયો મુદ્દો ઉઠાવ્યો હોત? ભાજપ પાસે કોઇ મુદ્દા ન હોય ત્યારે તે ધર્મ અને તિરસ્કારની વાતો કરે છે.તેમના પિતા બાલ ઠાકરેએ ભાજપને શીખવાડ્યું હતું કે ભગવા અને હિન્દુત્વથી કેવી દિલ્હીની ગાદી હાંસલ કરી શકાય છે.
ઠાકરેએ સવાલ કર્યો હતો કે જો ભાજપ બાલ ઠાકરનું સન્માન કરતો હોય તો આગામી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને બાલ ઠાકરેનું નામ આપવાનો શા માટે વિરોધ કરે છે.