ગાંધીનગર : ગુજરાત ભાજપ યુવા મોરચામાં ૩૫થી વધુ વયના હોદ્દેદારો પાસેથી રાજીનામા લખાવી,તેને મંજૂર કરી તે પદે ૩૫ વર્ષ સુધીના અન્ય કાર્યદક્ષ યુવાનની નિંમણૂક કરવા પ્રદેશ અધ્યક્ષે સુચના આપી છે.સી.આર.પાટીલે યુવા મોરચાના પ્રભારી પંકજ ચૌધરી અને પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટને આ સૂચના આપ્યા બાદ જિલ્લા- તાલુકા સ્તરે હવે નિમણૂક પામેલા પદાધિકારીઓના બર્થ સર્ટિફિકેટની ચકાસણીઓ શરૂ થઈ છે.
અત્યાર સુધી ભાજપમાં ૩૫ વર્ષથી ઉપરના કાર્યકરને પણ હોદ્દેદાર તરીકે તક મળતી હતી.જો કે, રાષ્ટ્રીય સંગઠનમાંથી આ વયમર્યાદાથી એક પણ દિવસ વધુ હોય તેમને હોદ્દો ન આપવાની નીતિનો ચૂસ્ત અમલ કરવા માટે કહેવાયુ છે.વર્ચ્યુઅલ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલની સૂચના બાદ ભાજપમાં ૬૦ વર્ષના નિયમે સિનિયરોને ઘરે બેસાડયા હતા.સારા સારા કહી શકાય તેવા હોદ્દેદારોને પણ ઘરે બેસાડી દેવામાં આવ્યા હતા.આ જ પદ્વતિ યુવા મોરચામાં લાગુ કરવામાં આવી રહી છે.તેની સાથે સાથે હવે યુવાનોનો વારો આવ્યો હોવાની લાગણી કાર્યકરોમાં પ્રવર્તી છે.
યુવા મોરચાની રચનાને ૫૦ દિવસ માંડ થયા છે.હાલમાં જિલ્લા- તાલુકા સ્તરે નવું સંગઠન રચાઈ રહ્યું છે.તેવામાં રાજ્યમાં સૌથી પહેલું રાજીનામુ નવસારી યુવા મોરચામાંથી લખાવી લેવાયું હોવાનું જણાવતા ટોચના નેતાએ કહ્યું કે, નિમણૂક પછી ખબર પડી કે, નવસારી પ્રમુખ ડો. શિરીષ ભટ્ટની ઉંમર ૩૫ વર્ષથી વધુ હતી.આથી તેમણે રાજીનામું આપ્યું હતું.તેમના સ્થાને ઉપપ્રમુખ મહાદેવ દેસાઈને પ્રમોટ કરી પ્રમુખપદે નિયુક્ત કરાયા છે.હવે પ્રદેશથી લઈને છેક તાલુકા સ્તરે રચાયેલા સંગઠનોમાં કેટલાક હોદ્દેદારોના બર્થ સર્ટિફિકેટ માંગતા દોડધામ મચી છે.
૩૦ જુલાઈ સુધીમાં પ્રદેશ,જિલ્લા,મંડલ સ્તરે કાર્યસમિતિઓની બેઠકો
ગુજરાત ભાજપમાં પ્રદેશથી શરૂ કરીને મંડલ અર્થાત તાલુકા સ્તર સુધી નવા સંગઠનની રચના થઈ ચૂકી છે.હવે તેની કાર્યસમિતિઓની બેઠકો યોજવા છેક દિલ્હીથી આદેશો થયા છે.જેમાં પ્રદેશ સંગઠનને ૩૦ જૂન સુધીમાં,જિલ્લા સ્તરે ૧થી ૧૫ જૂલાઈમાં અને ત્યારબાદ તાલુકા સ્તરે ૩૦ જૂલાઈ પહેલા બેઠકો યોજી કામકાજનો રિપોર્ટ કરવા કહેવાયુ છે.