વડોદરા,તા.17 નવેમ્બર 2022,ગુરૂવાર : ગુજરાત વિધાનસભાની 182 બેઠક પૈકી વડોદરા માંજલપુરની માત્ર એક બેઠક પર ઉમેદવાર અંગે આજે સવાર સુધી કશ્મકસ ચાલી હતી આખરે ભારતીય જનતા પાર્ટીએ 75 વર્ષથી વધુ ઉંમરના આગેવાનને ટિકિટ નહીં આપવાના નિર્ણયમાં છૂટછાટ આપી આખરે યોગેશ પટેલ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા શહેરની માંજલપુર બેઠક અંગે છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક ઉમેદવાર કે આયાતી ઉમેદવાર આવશે તે અંગેની અટકડો ચાલી રહી હતી રોજ બરોજ નિત નવા નામો ચર્ચામાં આવતા હતા તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ ૭૫ વર્ષ થી વધુ ની ઉંમરના આગેવાનને ટિકિટ આપવી નહીં તેવો નિયમ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો પાસે પોતે ચૂંટણી લડશે નહીં તેવી લેખિતમાં બાંહેધરી પણ પક્ષ દ્વારા લેવામાં આવી હતી.
માંજલપુરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર યોગેશ પટેલની ઉંમર 76 વર્ષની હોવાથી તેઓને ટિકિટ મળશે નહીં તેમ સ્પષ્ટ જણાઈ આવતું હતું પરંતુ યોગેશ પટેલે પક્ષને હું ચૂંટણી લડીશ નહીં તેવી કોઈ લેખિતમાં બાહેધરી આપી નહીં અને અપક્ષ ચૂંટણી લડશે તેવી અટકળ શરૂ થઈ હતી.દરમિયાનમાં ગઈ મોડી રાત્રે જાણકારી મળતા યોગેશ પટેલના ટેકીદારોએ ફટાકડા પણ ફોડ્યા હતા પરંતુ સત્તાવાર કોઈ જાહેરાત થઈ ન હતી આખરે આજે સવારે ધારાસભ્ય યોગેશ પટેલે જ ભારતીય જનતા પાર્ટી એ મારામાં વિશ્વાસ મૂકી સતત આઠમી વખત ટિકિટ આપી છે તેવી જાહેરાત કરતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.