સુરત : 103 વર્ષ જૂની સુરતની સૌથી પ્રતિષ્ઠિત એવી સહકારી ક્ષેત્રની સુરત પીપલ્સ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પહેલીવાર આખી બોર્ડની ચૂંટણી યોજાઈ હતી.તેમાં સત્તાધારી વિકાસ પેનલને જબ્બર પછડાટ મળી હતી. 11,000 કરોડના વહીવટ માટે સહકાર અને વિકાસ પેનલે એડીચોટીનું જોર લગાવ્યું હતું.બંને પેનલમાં ભાજપના જ ચહેરાઓ હતા પરંતુ ઊંધા માથે પછડાટ ખાનારી વિકાસ પેનલમાં શહેર ભાજપના મહામંત્રી અને બેંકના વર્તમાન પ્રમુખ,ભાજપના બે વર્તમાન કોર્પોરેટર્સ,શહેર ભાજપના ખજાનચી અને પૂર્વ કોર્પોરેટર્સ જેવા ખમતીધરો હતા.બીજી તરફ ચૂંટાયેલી સહકાર પેનલમાં બેંક સાથે સંકળાયેલા જૂના આગેવાનો અને જૂના ભાજપી આગેવાનોના વારસદારો હતા,છતાં તેમણે પ્રતિષ્ઠાનો આ જંગ જીતી લીધો હતો.
સુરત પીપલ્સ કો-ઓપરેટીવ બેંકની ચૂંટણી રવિવારે યોજાઈ હતી.મતગણતરી સોમવારે સવારથી શરૂ થઈ હતી.શરૂઆતના તબક્કા બાદ આટલું રોમાંચક પરિણામ આવશે એવી કલ્પના પણ ન હતી.ભાજપ સમર્થક વિકાસ પેનલનો વિજય થશે અને કદાચ પેનલ તૂટે તેવો અંદાજ હતો.જોકે, મોડી સાંજ સુધીમાં જે પ્રકારનું પરિણામ આવ્યું તે જોતાં સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.સહકાર પેનલ ઉપર સભાસદોએ વિશ્વાસ દાખવ્યો હતો અને આ પેનલ ખૂબ મોટા મતના અંતરથી જીતી હતી.
સુરત અને દક્ષિણ ગુજરાતની મોટી સહકારી બેંકોમાં જેની ગણના થાય છે,તેવી સુરત પીપલ્સ કો.ઓ. બેંકના આખા બોર્ડની ચૂંટણી પહેલીવાર યોજાઈ હતી.બેંકમાં હાલના પ્રમુખ અને શહેર ભાજપના મહામંત્રી મુકેશ દલાલે તેમની પેનલને વિકાસ પેનલ તરીકે મેદાનમાં ઉતારી હતી.તેમાં શહેર ભાજપના વર્તમાન ખજાનચી શૈલેષ જરીવાળા,કોર્પોરેટર કેયુર ચપટવાળા,ધર્મેશ વાણિયાવાળા,પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાળા સહિતના ધૂરંધરો હતા.વર્તમાન સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે પણ મેદાનમાં ઉતરવા મન બનાવ્યું હતું પણ તેમણે ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લીધું હતું.આ પેનલમાં ઊભા રહેલા મોટાભાગના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કોર્પોરેટરો હતા.એટલે, ભાજપનું તેમને પીઠબળ પણ હતું.પડદા પાછળ આ પેનલને જીતાડવા માટે શક્ય બને તેટલું કામ કરવા માટે આદેશો પણ થયા હતાં.જોકે, તમામ પ્રયાસો બાદ પણ વિકાસ પેનલને પછડાટ મળી હતી.
બીજી તરફ સહકાર પેનલમાં ભાજપના જૂના નેતા સ્વ.નરેન્દ્ર ગાંધીના પુત્ર,નાનાલાલ ગજ્જર પરિવારના ઉત્તરાધિકારીઓ,ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ રોહિત મહેતા જેવા ચહેરા હતાં.જોકે, વિકાસ પેનલને સત્તાનું ગુમાન હોવાનું પારખીને આ પેનલે પણ સભાસદોમાં ખૂબ પધ્ધતિસર પ્રચાર કર્યો હતો.હોંશિયારીપૂર્વક મતદાર એવા સભાસદોમાં પગપેસારો કર્યો હતો અને પોતાની તરફે વાળવામાં સફળ રહ્યાં હતાં.સોમવારે મોડી સાંજે પરિણામ આવ્યુ ત્યારે સૌ કોઈ દંગ રહી ગયા હતાં.
બેન્કને સમૃદ્ધિના શિખર સુધી પહોંચાડીશું
પરિણામ બાદ સહકાર પેનલના કેતન મોદીએ કહ્યું કે, સભાસદોએ અમારા પર વિશ્વાસ રાખ્યો છે,તેને સાર્થક કરીશું.થાપણદારોની થાપણને સલામત રાખીશું અને બેંકને સહકારથી સમૃદ્ધિના શિખર સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહીશું.
ચૂંટણીનું ચિત્ર
ટોટલ મત 15198
અમાન્ય મત 3414
માન્ય મત 11771
સહકાર પેનલના ઉમેદવારોએ મેળવેલા મત
નામ મત
મહેક ગાંધી 9263
અમિત ગજ્જર 9133
જાસ્મીન મહેતા 9021
કૈલાશ રાંદેરિયા 9026
નિમિષ ગજ્જર 8868
આશિષ તમાકુવાળા 8855
બિપિન સાવલિયા 8234
અનસૂયા મોદી 8784
રાજેન્દ્ર લાલવાળા 8465
રોહિત મહેતા 8726
કેતન મોદી 8721
સમીર બોડાવાળા 8593
યતિશ પારેખ 8549
વિકાસ પેનલના મુખ્ય ઉમેદવારોને મળેલા મત
મુકેશ દલાલ(શહેર ભાજપ મહામંત્રી) 3020 વોટ
કેયુર ચપટ વાળા(કોર્પોરેટર) 3022 વોટ
ધર્મેશ વાણિયાવાળા(કોર્પોરેટર) 2770 વોટ
પૂર્વ કોર્પોરેટર દિપક આફ્રિકાવાળા 3032 વોટ