મોટર વ્હીકલ એક્ટ મુજબ જો તમારી કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાડવામાં આવી હોય તો તે ગેરકાયદેસર છે.ભાજપ સરકારના એક મંત્રીની કારના કાચ પર બ્લેક ફિલ્મ હટાવીને પોલીસે 500 રૂપિયા વસુલ્યો હતો.જો કે મંત્રીએ દાવો કર્યો હતો કે મે જાતે જ ટ્રાફિક પોલીસને બોલાવીને રસીદ ફાડવા કહ્યું હતું.
મધ્ય પ્રદેશની શિવરાજ સરકારના મંત્રીની કારના કાચ પર કાળી ફિલ્મ લાગેલી હતી તે જોઇને ટ્રાફિક પોલીસે કારને અટકાવીને રસીદ ફાડી હતી.એમપીના શહડોલ જિલ્લાના પ્રભારી મંત્રી બે દિવસની મુલાકાતે આવ્યા હતા,જો કે જે કારની પોલીસે રસીદ ફાડી હતી તે તંત્ર દ્રારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.રસીદ ફાડી દીધા પછી કાર પરની ફિલ્મ હટાવી દેવામાં આવી હતી,પછી મંત્રી રવાના થયા હતા.
મધ્ય પ્રદેશ સરકારના પછાત અને લઘુમતી કલ્યાણ મંત્રી રામ ખેલાવન 6 ઓગસ્ટે બે દિવસની મુલાકાતે શહડોલ પહોંચ્યા હતા.અહીં તેઓ અન્ન ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા.મંત્રી રામ ખેલાવન માટે તંત્ર દ્રારા એક ઇનોવા કારની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ કારના કાચ પર કાળી ફિલ્મ લગાડેલી હતી.મંત્રી રામ ખેલાવને કહ્યું હતું કે જયારે તેમનો કાફલો આગળ વધી રહ્યો હતો ત્યારે તેમની નજર કાચ પર ગઇ હતી, કાચ પર બ્લેક ફિલ્મ લગાડેલી હતી એટલે ટ્રાફીક પોલીસને બોલાવીને તેમણે જાતે જ પોતાના માટે રસીદ ફાડવાનું કહ્યું હતું.મંત્રીની સુચના પછી ટ્રાફિક પોલીસે ગાડીની રસીદ ફાડીને દંડ વસુલ્યો હતો, એ પછી કારના કાચ પરથી કાળી ફિલ્મ હટાવી દેવામાં આવી હતી.
આ બાબતે જયારે પત્રકારોએ મંત્રી રામ ખેલાવન સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેમણે જાતે જ રસીદ ફડાવીને દંડ ભર્યો છે,તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે તંત્રએ તેમને આવી કારની વ્યવસ્થા શું કામ કરી? જો કે એ પછી તેમને અન્ય કારની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.જાણવા મળેલી માહિતી મુજબ દંડની રકમ તેમણે પોતાના ગજવામાંથી ભરી હતી.ડીએસપી અખિલેશ તિવારીએ કહ્યું હતું કે પ્રભારી મંત્રી રામ ખેલાવન જે ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા તેના કાચ પર ફિલ્મ લાગેલી હતી. મોટર વ્હીકલ એક્ટ હેઠળ રસીદ ફાડીને 500 રૂપિયા દંડ વસુલ્યો હતો.


